
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા ૧૦ વ્યક્તિઓને વ્યારા ફાયર ટીમે ઉગાર્યા:
સાંજે ૬.૦૨ કલાકે ફોન કોલ મળ્યો, ૦૬.૨૫ વાગ્યે ઘટના સ્થળે પહોચ્યા, ૦૭.૨૦ વાગ્યે સહી સલામત બચાવ્યા:
દરેક કપરી પરિસ્થિતીમાં પોતાના જીવ જોખમમા મુકી કામગીરી કરતી ફાયર વિભાગ તાપીની ટીમને શતશત વંદન:
આંબાપાણી ગામમાં પૂર્ણા નદીમાં અચાનક પાણી વધી જતા ૧૦ યુવાનોને ભયંકર વરસાદ અને પુર ઝડપે ધસમસતા પાણીમાં ડુબી જતા બચાવ્યા:
વ્યારા તાપી : હાલ ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તથા સંભવિત કોઈપણ પરિસ્થિતી જેમાં વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ સતર્ક રાખવામાં આવ્યાં છે. જિલ્લામાં ભારે અથવા અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય અને જો કોઈપણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત- બચાવની કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જિલ્લામાં ૨૫ સભ્યોની એન.ડી.આર.એફ, અને ૨૫- સભ્યોની એસ.ડી.આર.એફ સહિત જિલ્લાની અલગ-અલગ ટીમો જેવી કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, આપદા મિત્ર (GSDMA), સ્થાનિક તરવૈયાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે સાંજે ૬.૦૨ કલાકે ફોન કોલ દ્વારા મળેલ માહિતી અનુસાર ડોલવણ તાલુકાના આંબાપાણી ગામમાં પૂર્ણા નદીમાં અચાનક પાણી વધી જતા ૦૫ થી ૦૬ જેટલા યુવાનો પાણીમાં ફસાઇ ગયા હતા. યુવાનો હેમખેમ ઝાડ પર ચડી ગયા હતા. આ માહિતી મળતાં વ્યારા ફાયર રેસ્કયુ ટીમ ૦૬.૨૫ વાગ્યે ઘટના સ્થળે પહોચી ગઇ હતી. સ્થળ પર પહોચતા કુલ-૧૦ વ્યક્તિઓ ફસાયા હોવાની જાણકારી મળી હતી. ફાયરની ટીમ સાથે પ્રાંત અઘિકારીશ્રી વ્યારા, ડોલવણ મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી, પોલીસ વિભાગ દ્વારા ૦૭.૨૦ વાગ્યા સુધીમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમની બહાદુરી અને કર્તવ્ય પાલનની ભાવનાની આ સમયે સરાહના કરીએ તો ખોટુ ના કહેવાય. ફાયર વિભાગની ટીમ દરેક કપરી પરિસ્થિતીમાં પોતાના જીવ જોખમમા મુકી કામગીરી કરતી હોય છે. જેના કારણે જ આવા ભયંકર વરસાદ અને પુર ઝડપે ધસમસતા પાણીમાં પણ ટીમની કાબેલીયતના પરિણામે કોઇ જાનહાનિ થયેલ નથી. રેસ્ક્યુ કરનાર દરેક વ્યક્તિ અભિનંદનને પાત્ર છે.
ફાયર ઓફિસર નરણ બંધિયાએ જણાવ્યું હતું કે, ફોન કોલ મળતા જ અમે ઝડપથી સ્થળ ઉપર પહોચી ગયા હતા. નદીમાં ધોડાપુર આવી રહ્યું હતું. અને નદી કિનારાના ઝાડ ઉપર ચઢી ગયેલા માણસોને બચાવવા અમારી ટીમે તમામ શક્તિઓ કામે લગાડી એક પછી એક વ્યક્તિને સહી સલામત ઝાડ ઉપરથી ઉતારી બચાવી લેવામાં આવ્ય હતા. ૧૦ જેટલા લોકો નદી કિનારે જ ઓચિંતુ પાણી આવતા ખુબ જ ગભરાઇ ગયા હતા. તેમને સહી સલામત રીતે ઉગારી લીધા ત્યારે ગ્રામજનોએ અમારી ટીમ અને સરકારી તંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાનો આબેહુબ સાક્ષી અને બચાવેલા ૧૦ વ્યક્તિઓમાંથી એક ચાગધરા ગામનો યુવાન એલવીન પોતાની આપવીતી વર્ણવતા કહે છે કે, મારા મિત્ર અજય સાથે અમે એક્ટીવા પર ફરવ ગયા હતા. આંબાપાણી નજીક પહોચ્યા અને એક દુકાન નજીક ગાડી ઉભી રાખી ત્યારે જ ઓચિંતુ નદીમાં પાણી વધી ગયું. આ જોઇને હું મારી બાઇક લેવા જતા પાણી ધોડાપુરની જેમ વધી જતા અમે ગભરાઇને ઝાડ ઉપર ચઢી ગયા હતા. નજીકના ગામના યુવાનો પણ અમારી સાથે હતા અમે બધા જ જીવ બચાવવા ઉપર ચઢી ગયા. પાણી એટલુ ઝડપે આવ્યું કે દ્વશ્ય જોઇને કંપારી છુટી જાય. ગામના જાગૃત વ્યક્તિ સુરેશભાઇએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરી અને થોડી જ વારમાં ટીમ આવી પહોચતા અમને સહી સલામત બચાવી લીધા હતા. અમે જીવન ભર ફાયર વિભાગની ટીમના આભારી રહીશું.
તાપી જિલ્લામાં કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના સતત માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના નેતૃત્વ હેઠળ તાપી જિલ્લામાં લાઇન ડિપાર્ટમેન્ટ પરિણામલક્ષી કામગીરી કરી રહ્યા છે.મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત તમામ લાયઝન અધિકારીશ્રીઓ દ્વારા ગ્રામ્ય સ્થળે મુલાકાત લઇ જરૂરી વ્યવસ્થાને સ્વયં સુનિશ્ચિત કરી રહ્યા છે. પોલીસ વિભાગ આપત્તિના સમયે કાયદો વ્યવસ્થા જળવાઇ તેની તકેદારી રાખી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમને રાખી આરોગ્યલક્ષી સુવિધા પ્રદાન કરી રહ્યા છે. પુરવઠા વિભાગ સ્થળાંતર કરેલ જગ્યાઓએ અનાજ પુરવઠાની યોગ્ય વ્યવસ્થાની તકેદારી રાખી રહ્યા છે. જયારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર 24 કલાક હેલ્પલાઇન દ્વારા મળતી માહિતી અને લાઇઝન અધિકારીઓ દ્વારા મળતી માહિતી દ્વારા સમયસર જાણકારી આપી રહ્યા છે. તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બંધ થયેલા રસ્તાઓ અને પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પરીણામે તંત્ર જે-તે સ્થળે યોગ્ય મદદ પહોચાડવા સક્ષમ બન્યા છે.