
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
નિઝર તાલુકાની ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મોકડ્રીલ યોજવામાં આવી:
વ્યારા-તાપી: તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન પુર જેવી કુદરતી કે અન્ય માનવ સર્જીત આપત્તિ સર્જાય તો કઇ રીતે ઝડપથી બચાવ અને રાહતની કામગીરી કરી શકાય તથા જાનહાની ટાળી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે નિઝર મામલતદાર ગુલાબસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ નિઝર તાલુકાના કોઠલીબુદ્રક ખાતેનાં તાપી નદીના કિનારે આજરોજ આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા કુદરતી આફત સંબંધિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિઝર તાલુકાના કોઠલીબુદ્રક ગામે તાપી નદીના પટમાં અકસ્માતે બે યુવાનો ડુબી રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ ગામમાં જ રહેતા હોય તાત્કાલીક આ વ્યક્તિઓને બચાવવા માટે દોડી આવ્યા અને નદીમાં ઝંપલાવી બન્ને માણસોને બચાવી લીધા હતા, ત્યાર બાદ પ્રાથમિક ઉપચારના ભાગરૂપે ડુબનાર વ્યક્તિને ઉંધા સુવડાવી, પાણી પીધુ હોય તો બહાર કઢાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી મેડીકલ સેવાઓ પુરી પાડવામાં આવી હતી. બનાવના સ્થળે ભયનો માહોલ ઉભો થયો હતો પરંતું ત્યાર બાદ મોકડ્રીલ હોવાની જાણ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ચોમાસા દરમિયાન જિલ્લામાં પુરની પરિસ્થિતીમાં લોકોના તણાઈ જવા સાથે બનતી અન્ય આકસ્મિક ઘટનાઓમાં તાકિદે લેવાના થતા પગલાઓ અંગે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. આ પ્રસંગે નિઝર મામલતદારે ઉપસ્થિત ટીમની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની બચાવ કામગીરીની ટીમ સુરક્ષાના તમામ સાધનો સાથે સજ્જ છે. ટીમ દ્વારા કરવામા આવેલ રાહત અને બચાવની કામગીરી જોતા જિલ્લામા ઉભી થતી કોઇપણ આપત્તિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે.
આ મોકડ્રીલમાં સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, તલાટી-કમ-મંત્રીઓ, મેડિકલ ટીમ, પોલીસ ટીમ તથા વહિવટીતંત્રની અન્ય ટીમ ઉપસ્થિત રહી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.