
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષપણે યોજાઈ હતી:
વ્યારા: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવાસદન સભાખંડમાં આજરોજ નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોને સ્પરર્શતા કેટલાક પ્રશ્નો પરત્વે પરસ્પર સંકલન કરી ત્વરિત નિકાલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં સરકારી લેણાની વસુલાત, નાગરિક અધિકાર પત્રો, નિવૃત્ત થયેલ કર્મચારીઓના પેન્શન કેસો, અવસાન પામેલ કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજીઓના નિકાલ અંગે, પડતર કાગળોની માહિતી, એ.જી ઓડિટના બાકી પેરાની માહિતી અંગે તથા તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાયોજના વહીવટદાર વી.જી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ. ડોડિયા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ ચૌધરી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.