
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર ને જોડતા સ્ટેટ હાઇવે પર ડેડીયાપાડા પાસેનો પુલ બિસ્માર હાલતમાં!!!
પુલ પર મોટા મોટા ખાડા પડી જતા પુલના સ્લેબના સળિયા દેખાતા વાહન ચાલકો પરેશાન;
અંકલેશ્વર થી નેત્રંગ થઈ ડેડીયાપાડા પાસેથી મહારાષ્ટ્ર જતો સ્ટેટ હાઇવે 753 બી પર આવેલો ડેડીયાપાડા પાસેનો પુલ અંત્યત જર્જરિત અને બિસ્માર હાલતમાં હાલ થઈ ગયો છે. દર વર્ષે ચોમાસુ આવતા જ આ પુલની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. અંકલેશ્વર થી મહારાષ્ટ્રને જોડતો વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો આ રોડ માનવામાં આવે છે. ત્યારે ખૂબ ભારે વાહનો અહીં થી પસાર થતા હોય છે. હાલ અહીંયા ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયા છે. ભારે માલવાહક વાહનોની અવર જવર ને કારણે પુલના સ્લેબના સળિયા પણ હાલ તો ડોકિયાં કરવા લાગ્યા છે. આ પુલની અન્ય સાઈડ પરનો પુલ પણ વર્ષોથી જર્જરિત હોવાને કારણે તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બને સાઈડનો વાહન વ્યવહાર એક જ પુલ પર થતો હોવાથી અને મોટા મોટા ખાડા પડી જવાથી મોટી માલ વાહક ટ્રક ત્યાંથી પસાર થાય તો અન્ય સાઈડના વાહને ઉભા રહી જવું પડે છે. જેને કારણે ખુબજ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ત્યારે તંત્ર કોઈ મોટો અકસ્માતનો બનાવ બને અને જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે. આ પુલ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠી છે.