
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી-૨૦૨૫:
ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના પ્રતિબંધો
તાપી: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૨/૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાનાર છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્ઘારા તાપી જિલ્લામાં જાહેર થયેલ ૯૬ ગ્રામંચાયત વિસ્તારમાં ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી-વ્યારા આર.આર.બોરડે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામાં મુજબ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ચૂંટણી પ્રચારના કામે સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. આ માટે અગાઉથી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની રહેશે. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સંબંધિત વિસ્તારની સલામતી વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ, તહેવારો,ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી અન્ય સુસંગત વિચારણાને આધિન રહેશે.
ચુંટણી પ્રચારના કામે વાહન ઉપર લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિ.
સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાયનાં કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ. તદઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.
સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ.
કોઇપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના ૪૮ કલાકની મુદ્દત દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોઇ ઉકત સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.
આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.