
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ: નર્મદા સર્જનકુમાર
પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામોની કરાઇ સમીક્ષા:
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠકમાં મંત્રીશ્રી મોદીએ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ ના વિકાસ કામોની સમીક્ષા કરી હતી અને બાકી રહેલા વિકાસ કામો ઝડપથી નિયત સમયવધિમાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડવાની સાથે મંત્રીશ્રીએ જરૂરી સૂચના આપી હતી.
ભરૂચ,નર્મદાના સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નગરપાલિકા -તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોર, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી શશાંક પાંડે સહિત જિલ્લા આયોજન મંડળના સભ્યશ્રીઓ ઉપરાંત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસકામોમાં કોઈ પણ પ્રકારની ઢિલાશ કે કચાશ ચલાવી લેવાશે નહિં. લક્ષિત લાભાર્થીઓ અને જિલ્લા વહિવટીતંત્ર વચ્ચે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓની ભૂમિકા સેતૂરૂપ રહેલી છે, ત્યારે વિકાસ કામોના આયોજન અને તેના અમલીકરણની દિશામાં જરૂરી સંકલન જળવાઈ રહે તેવી તેમણે ખાસ હિમાયત કરી હતી. જિલ્લામાં વિકાસ કામો બેવડાય નહિ તેની પણ ખાસ તકેદારી રાખવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
ઉક્ત બેઠક બાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ પોઇચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં હાથી-ઘોડા અને રથ સાથેની નગરયાત્રાના પણ દર્શન કરી સાંધ્ય આરતીમાં ભાગ લીધો હતો. મંદિરના મુખ્ય વ્યવસ્થાપક સ્વામી પૂ. ભગવાનદાસજીએ મંત્રીશ્રીને આવકારી નિલકંઠવર્ણીની પ્રતિકૃતિ અને પ્રસાદ સાથે શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજપીપલાના અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ વગેરે પણ તેમની સાથે જોડાયાં હતા.