
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત દાંડીયાત્રામાં કાર્યાંજલિ આપતા તાપી જિલ્લાના મહિલા પ્રતિનિધી:
“આ ઐતિહાસિક પળની સાક્ષી બનવાનો મોકો મળતા દિલ ગદગદ થયુ છે.”- ડૉ.નિલેશ્વરીબેન ચૌધરી
તાપી: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. અમદાવાદથી ૧૨મી માર્ચે પ્રારંભ થયેલી દાંડીયાત્રા ગુજરાત રાજ્યના ૭૫ સ્થળોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આજની પેઢી અને આવનાર પેઢી આઝાદી વખતે આપણા દેશના મહાનપુરુષો દ્વારા કરવામાં આવેલ યોગદાનનું મહત્વ સમજે તથા દેશને આઝાદી કેવી રીતે મળી તેની યાદો ફરી તાજા થાય તે માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં યોજવામાં આવી રહ્યો છે.
૧૯૩૦ની યાત્રામાં મહિલાઓની ભાગીદારી મહત્વની હતી. જે આજે ૨૦૨૧ની દાંડીયાત્રામાં પણ નોંધણીય છે. ૨૭૨ કિલોમીટરની આ યાત્રામાં કુલ ૮૧ પદયાત્રીઓ જોડાયા છે. જેમા ૯ મહિલાઓ સામેલ થયા છે. જેમાં ડૉ.નિલેશ્વરીબેન ચૌધરી જે તાપી જિલ્લાના એક માત્ર મહિલા પ્રતિનિધી છે. ડૉ.નિલેશ્વરીબેન ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. દાંડીયાત્રામાં દરેક જિલ્લામાંથી પદયાત્રીઓ સામેલ થયા છે. જેની સાથે-સાથે તેઓની સેવા કરવા માટે સ્વયંસેવકો પણ જોડાયા છે. યાત્રામાં કુલ ૧૨ ફિઝિયોથેરાપીસ્ટ છે. જેઓને એક એક ગૃપ આપવામાં આવ્યા છે. એક ગૃપમાં ૧૦ થી ૧૨ વ્યક્તિઓ છે. જેના સ્વાસ્થ્ય સંબંધિત જવાબદારી ફિઝિયોથેરાપીસ્ટને આપવામાં આવી છે. યાત્રાની શરૂઆત પહેલા જ તેઓની કામગીરી શરૂ થઇ જાય છે. યાત્રીઓના બ્લડ પ્રેશર, પલ્સ વગેરે ચેક કર્યા બાદ જ્યારે યાત્રી સ્વસ્થ છે એમ સંપુર્ણ ખાત્રી બાદ જ પદયાત્રા શરૂ કરવામાં આવે છે. આ સિવાય યાત્રા દરમિયાન જો કોઇ વ્યક્તિને માંસપેશીમાં દુખાવો થાય તો તેઓને પૈન રીલીફ તથા ટ્રીટમેન્ટ આપી તુરંત જ સ્વસ્થ કરવા આ ફિઝિયોથેરાપીસ્ટની ટીમ ખડેપગે છે. આ સિવાય સ્પોર્સ ઓથોરીટી ગુજરાતના સીનીયર કોચ ચેતનભાઇ પટેલ પણ આ યાત્રામાં જોડાયા છે.
દાંડીયાત્રાના અનુભવ અંગે ડૉ.નિલેશ્વરીબેન જણાવે છે કે, “આપણા દેશના ઇતિહાસમાં દાંડીયાત્રા એક ઐતિહાસિક બનાવ હતો. આજે ૨૦૨૧માં તેની રૂપરેખા સમાન કહી શકાય તેવા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દાંડીયાત્રામાં ફરજ બજાવતા આ અનુભવને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ છે. આ ઐતિહાસીક પળની સાક્ષી બનવાનો મોકો મળ્યો જેનાથી દિલ ગદગદ થયુ છે.”
“એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સુત્રને સાકાર કરવા વડાપ્રધાનશ્રીએ ૧૩૦ કરોડ દેશવાસીઓને એક પગલું ભરવાં આહ્વાહન કર્યું હતું. જેમાં ડૉ.નિલેશ્વરીબેન તાપી જિલ્લાના પ્રતિનિધિ તરીકે આપણા સૌ વતી આ ઐતિહાસીક પળમાં સામેલ થઇ કાર્યાંજલિ આપી રહ્યા છે. જે સર્વ તાપીવાસીઓ માટે ગર્વની વાત છે.