બ્રેકીંગ ન્યુઝ

રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર 

શિક્ષકના માધ્યમથી માનવી સાચા અર્થમાં માનવ બને છે,- સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

મહત્વકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સહિતના અન્ય તમામ ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણરૂપી મશાલને વધુ પ્રજ્જવલિત કરવાની દિશામાં કટિબધ્ધ થવા સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલનો અનુરોધ: 


મંત્રીશ્રી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાના ૩ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર લેખે અને તાલુકા કક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજાર લેખે પુરસ્કાર સહિત શાલ ઓઢાડીને એનાયત કરાયા સન્માનપત્ર રાજપીપલામાં કલેક્ટર કચેરી ખાતે શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો:

રાજપીપલા,શનિવાર :- ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નૈષધભાઇ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ એમ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુરેશભાઇ ભગત, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ ઉપરાંત શ્રી ફતેસિંહ વસાવા, શ્રી ઉપેન્દ્રભાઇ પટેલ સહિત સંઘના અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલાં વિજેતા શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

નર્મદા જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરતાં ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી શિક્ષક દિન તરીકે થઇ રહેલી ઉજવણી અંગે જણાવ્યું હતું કે, આપણી વૈદિક પરંપરા અને પ્રાચીન ગ્રંથોમાં પણ ગુરૂનો મહિમા ગવાયો છે. ગુ-એટલે અંધારૂં અને રૂ-એટલે દૂર કરનારા. અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી જીવન વિકાસ તરફ દોરી જનાર હોય તો તે ગુરૂ-શિક્ષક છે. સાચા ગુરૂની સંગતથી પ્રભુ-પરમાત્માને પણ પામી શકાય એટલી વિરાટ શક્તિ ગુરૂ પાસે રહેલી હોય છે. આપણી ધર્મકથાઓમાં પણ ગુરૂ-શિષ્યના અનેક પાત્રો અમર થઇ ચૂક્યા છે તેમ જણાવી શ્રી પટેલે કૃષ્ણ-ગુરૂ સાંદિપનિ, રામ/લક્ષ્મણ-ગુરૂ વશિષ્ઠ, અર્જુન- ગુરૂ દ્રોણ, શિવાજી- ગુરૂ રામદાસ જેવા આ બધાં જ અમર પાત્રો આપણા જીવનનાં ઘડતરમાં ગુરૂનું મહત્વ દર્શાવે છે.
શ્રી મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષક એ માત્ર જ્ઞાનના પ્રચાર કે પ્રસાર પૂરતા સિમિત નથી. શિક્ષકના માધ્યમથી માનવી સાચા અર્થમાં માનવી બને છે. પ્રેમ, હેત, સહનશીલતા, મૈત્રી, ભાતૃભાવ, એકતા, સૌહાર્દ, સંપ, ત્યાગ, બલિદાન, ઐક્ય જેવા જીવનોઉપયોગી ગુણોનાં વિકાસમાં શિક્ષકનું પ્રદાન અનેરૂ અને મહત્વનું બની રહે છે. સેવા કે નોકરીને માત્ર આર્થિક ઉપાર્જન પુરતું સિમિત ન રાખતાં સેવાના ધ્યેય તથા ભાવ સાથે કાર્ય કરનારા મુઠ્ઠી ઉંચેરા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી ધન્યતાની લાગણી અનુભવતા મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ સન્માન સમગ્ર નર્મદા જિલ્લાના શિક્ષકોનું સન્માન છે. તેમની કામગીરીમાંથી અન્ય શિક્ષકોએ પ્રેરણા લઇને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણરૂપી મશાલને વધુ પ્રજ્જવલિત કરવાની દિશામાં કટિબધ્ધ થવાનો ખાસ અનુરોધ કરી સર્વાંગી વિકાસમાં નર્મદા જિલ્લો અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ભરૂચનાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ આજની શિક્ષક દિનની ઉજવણીમાં જિલ્લા-તાલુકાકક્ષાના શિક્ષકોના આજે કરાયેલા સન્માનને નર્મદા-ભરૂચ જિલ્લાના તમામ શિક્ષકોના સન્માન તરીકે લેખાવીને શ્રી વસાવાએ ઉમેર્યું હતું કે, માતા-પિતા પછી બાળક- વિદ્યાર્થીઓનો મોટાભાગનો સમય શિક્ષકો પાસે હોય છે. બાળકમાં સંસ્કારનું સિંચન કરીને શ્રેષ્ઠ ભાવિ નાગરિકનું ઘડતર કરે છે. કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ ઉપર આધારિત છે, ત્યારે નર્મદા જિલ્લામાં શાળાના સમય ઉપરાંત જાહેર રજાના દિવસો-વેકેશનમાં પણ પાઠ્ય પુસ્તકો સિવાય બાળકોને ભવિષ્યમાં ઉપયોગી બની રહે તે રીતનું જ્ઞાન પીરસીને વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહેલા શિક્ષકોના શિક્ષણ કાર્યને બિરદાવી તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં. શ્રી મનસુખભાઇ વસાવાએ વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી નોકરીની સાથે આર્થિક ઉપાર્જન કરી શકે અને તેની સાથે આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરવાનો અનુરોધ કરી શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામ લોકો સહિત સમાજના શુભ ચિંતકોને સહિયારા પ્રયાસો સાથે આ કાર્યમાં જોડાવાની હિમાયત કરી હતી.

નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકોનું આગવું, અનેરૂં અને ઉંચુ સ્થાન છે. રાજા-મહારાજાઓના વહિવટમાં પણ શિક્ષકોનો ફાળો નોંધપાત્ર રહેલો છે. બાળકોમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રજ્જવલિત કરવાનું કામ શિક્ષકોનું રહેલું છે. શ્રી વસાવાએ તેમના અભ્યાસકાળ દરમિયાનના ગુરૂજીના સંસ્મરણો વાગોળી શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ અને ઉત્થાન થાય તે રીતનું જ્ઞાન પીરસવાની તેમણે હિમાયત કરી હતી.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાના ૩ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર લેખે અને તાલુકાકક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજાર લેખે પુરસ્કાર સહિત શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરાયા હતાં.

પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નૈષધભાઇ મકવાણાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ એમ.પટેલે આભારદર્શન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है