
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશવ્યાપી ક્વિઝ હરીફાઈ અન્વેષા 2022નું આયોજન:
અમદાવાદ: આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 27મી જૂન, 2022 થી પ્રતિકાત્મક સપ્તાહની ઉજવણી શરૂ કરી છે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) ના ક્ષેત્રીય કાર્યાલયની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ દ્વારા 27મી જૂન 2022ના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કૉલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સત્તાવાર આંકડાઓ પર દેશવ્યાપી ક્વિઝ હરીફાઈ અન્વેષા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ અને નજીકના વિસ્તારોમાં આવેલી કોલેજો/સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાનીએ આઝાદી કી અમૃત જ્યોતિ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના ઉદ્ઘાટન સંબોધનમાં ડૉ. ખીમાનીએ નીતિ ઘડતરમાં સત્તાવાર આંકડાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. ખીમાનીએ વિદ્યાર્થીઓને ભણતર પર ભાર આપવા પ્રેરિત કર્યા હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં હેરિટેજ વોકની સુવિધા વિશે પણ માહિતી આપી હતી. ક્વિઝ સ્પર્ધાનું આયોજન શ્રી એસ. કે. ભાણાવત, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને પ્રાદેશિક કાર્યાલયના, ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO ના વડા ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું., જેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો સહીત અનેક અન્ય સહભાગીઓને આવકાર્યા હતા.
શ્રી ભાણાવતે ભારતના બહાદુર સપૂતોને યાદ કર્યા કે જેમણે 75 વર્ષ પહેલા આઝાદી પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓ માટે સત્તાવાર આંકડાઓ પર ક્વિઝનું આયોજન કરવાનો હેતુ આંકડાઓ વિશે જાગૃતિ લાવવાનો છે અને ભારતીય આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે યુવા દિમાગને પ્રબુદ્ધ કરવાનો છે. શ્રી આર. એસ. જગતાપ, ડીડીજી, ડીક્યુએડી, ડૉ. રાકેશ પંડ્યા, નિયામક, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક, ગુજરાત સરકાર, શ્રી એલ.એમ.જાડેજા, ડાયરેક્ટર, શ્રી શક્તિ સિંહ, જોઈન્ટ ડાયરેક્ટર, શ્રી જયપ્રકાશ એસ. હોનરાવ, ડેપ્યુટી ડાયરેક્ટર અને NSOના અન્ય અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ક્વિઝ માસ્ટર્સ શ્રી જલજ મહેશ્વરી અને શ્રી રિષભ બરોડાવાલા દ્વારા આયોજિત ક્વિઝમાં 41 કોલેજો/ યુનિવર્સિટીઓના 82 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રારંભિક રાઉન્ડના પરિણામોના આધારે ફાઈનલ રાઉન્ડ માટે 6 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. CEPT યુનિવર્સિટીના શ્રી વિશેષ મેહનોત અને શ્રી સિદ્ધાર્થ યાદવનો સમાવેશ કરતી ટીમ અન્વેષા 2022 ક્વિઝ સ્પર્ધાના વિજેતા તરીકે ઉભી રહી હતી. MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને LD આર્ટસ કૉલેજની ટીમો અનુક્રમે ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ બની હતી. ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને ટોચની ત્રણ ટીમોને આકર્ષક ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. વિજેતા ટીમની યુનિવર્સિટીને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.