
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
રાજયમાં વિકાસકાર્યોની વણઝાર સાથે લોકોની આરોગ્યની સુખાકારીની દરકાર પણ રાજય સરકાર લઇ રહી છે -: નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે “ નલ સે જલ “ કાર્યક્રમ અંતર્ગત વાસ્મો – ભરૂચ ધ્વારા રૂા.૪૯ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાની વિવિધ કામગીરીનું કરાયું ખાતમુહુર્ત:
રૂા.૧૪.૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ગ્રામ પંચાયત કમ તલાટી આવાસનું નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામે “ નલ સે જલ “ કાર્યક્રમ અંતર્ગત વાસ્મો – ભરૂચ ધ્વારા રૂા.૪૯ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાની વિવિધ કામગીરીનું ખાતમુહુર્ત તથા રૂા.૧૪.૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ગ્રામ પંચાયત કમ તલાટી આવાસનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદહસ્તે આજ રોજ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં વિકાસકાર્યોની વણઝાર સાથે લોકોની આરોગ્યની સુખાકારીની દરકાર પણ રાજય સરકાર લઇ રહી છે.તેમણે ઉમેર્યું હતું કે જન જનની આરોગ્યની સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીએ બીડું ઉઠાવ્યું છે ત્યારે ગ્રામજનોને નિરામય આરોગ્ય યોજનાનો બહોળો લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. તેમણે સેંગપુર ગામે થયેલા વિકાસકાર્યોની પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. સેંગપુર ખાતેના પાણી પુરવઠાના કામોમાં આર.સી.સીની ઉંચી ટાંકી, આર.સી.સી ભૂગર્ભ સમ્પ,પીવીસી રાઇઝીંગ મેઇન વિતરણ પાઇપ લાઇન, ટેપીંગ પાઇપ લાઇન, પંપીગ મશીનરી, નળ કનેકશન, નવા પંપ રૂમ, અને પારદર્શક બોર્ડના કામનો સમાવેશ થાય છે. તેમણે ગામમાં નવું પંચાયત કચેરીનું નિર્માણ થતાં લોકસુખાકારીમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મિસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી વિજયસિંહ સોલંકી, સરપંચશ્રી રશ્મિકાબેન વસાવા, ગામ આગેવાનો, પાણી પુરવઠા વિભાગના અધિકારીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.