શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કોવીડ-૧૯ રસીના ૨૨ કરોડ કરતાં વધારે ડોઝ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા:
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસી આપવા માટે હજુ પણ 1.84 કરોડ કરતાં વધુ કોવીડ-૧૯ રસીના ડોઝ ઉપલબ્ધ:
સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં સહકાર આપવા માટે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપી રહી છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સીધી રસીની ખરીદી કરવાની પણ સુવિધા કરી આપવામાં આવી છે. દેશમાં મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ અભિયાન એક મહત્વપૂર્ણ આધારસ્તંભની રચના કરે છે. આ વ્યૂહનીતિના અન્ય મુદ્દામાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું પાલન સામેલ છે.
સમગ્ર દેશમાં 1 મે 2021થી ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 રસીકરણ તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આ વ્યૂહનીતિ હેઠળ, દર મહિને કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા કોઇપણ ઉત્પાદક માટે મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી 50% ડોઝ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. ભારત સરકાર અગાઉની જેમ જ આ તમામ ડોઝ રાજ્ય સરકારોને સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.
ભારત સરકારે વિનામૂલ્યે શ્રેણી અને રાજ્યો દ્વારા સીધી પ્રાપ્તિની શ્રેણી એમ બંને અંતર્ગત આજદિન સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 22 કરોડ કરતાં વધારે (22,16,11,940) ડોઝ પૂરા પાડ્યા છે.
આમાંથી, બગાડ સહિત કુલ 20,17,59,768 ડોઝનો વપરાશ કરવામાં આવ્યો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ કોવિડની રસીના 1.84 કરોડ કરતાં વધારે (1,84,90,522) ડોઝ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, રસીના 11 લાખ (11,42,630) ડોઝ કામગીરી હેઠળ છે અને આવનારા 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ જથ્થો પ્રાપ્ત થઇ જશે.