
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે PPE કીટ પહેરીને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓના પૂછ્યાં ખબરઅંતર : સારવાર–સુવિધાઓ અંગે મેળવેલી જાણકારી;
ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે ઇન્સ્ટોલ કરાયેલી અલગ અલગ લાઇનોની કામગીરીનું પણ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે કરેલું નિરીક્ષણ : જિલ્લામાં જરૂરીયાત મુજબના ઓક્સિજનના જથ્થા ઉપલબ્ધિ માટે થઇ રહેલું સઘન મોનિટરીંગ;
જિલ્લાના પ્રજાજનોને અવશ્ય માસ્ક પહેરવાં, વારંવાર સેનિટાઇઝેશન કરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં સહિત કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચુસ્તપાલનની સાથે યોગ્ય સમયે વેક્સીનેશનનો બીજો ડોઝ પણ અવશ્ય લેવા અને પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથોસાથ સમાજને પણ સુરક્ષિત રાખવાં જિલ્લા કલેક્ટરશ્રી શાહની હદયસ્પર્શી જાહેર અપીલ
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની લીધેલી મુલાકાત:
રાજપીપલા:- નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આજે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી શાહે PPE કીટ પહેરીને હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ, આઇસોલેશન વોર્ડ અને જનરલ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાના પોઝિટીવ દરદીઓની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં અને તેમને મળતી સારવાર અને સુવિધાઓ અંગેની જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી શાહની સાથે સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, ફીઝીશીયન ડૉ. જે.એલ.મેણાત વગેરે પણ વોર્ડની આ મુલાકાત દરમિયાન સાથે જોડાયાં હતા અને દરદીઓની સારવાર સંબંધી જરૂરી જાણકારી જિલ્લા કલેક્ટરશ્રી શાહને પૂરી પાડી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત બાદ જણાવ્યું હતું કે, રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આપણી પાસે ૧૦૦ બેડ હતાં, તેમાંથી ૯૨ જનરલ અને ૮-ICU વેન્ટીલેટર ફેસીલીટીવાળા એટલે કે ઓક્સીજન ફેસીલીટીવાળા બેડ હતાં, જે વધતાં જતાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગની સૂચના અને જિલ્લા પ્રભારી સચિવશ્રીની સતત સૂચના અને સુપરવિઝન-મોનીટરીંગના ભાગરૂપે લેવાયેલા સ્ટેટેજીક નિર્ણય પૈકી તાત્કાલિક અસરથી ઓક્સિજનની નવી ૩ અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરાઇ છે, તેના કારણે ઓક્સિજનવાળા-૦૮ બેડની સંખ્યા હવે ૮૨ બેડ કરી દીધી છે. અગાઉ ૮ જ બેડ ઓક્સિજનવાળા હતા એટલે આપણી પાસે ૯૦ ઓક્સિજન સિલીન્ડર હતાં, તેમાં પણ રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રભારી સચિવશ્રીની મદદથી તાત્કાલિક નવા ઓક્સિજન સિલીન્ડર ખરીદવામાં આવ્યાં છે, એટલું જ નહીં તેની સાથોસાથ ૧ હજાર લીટરની એક એવી બે અને ૨૦૦ લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજનની આપણે ઓક્સિજન ટેન્ક ખરીદ કરવામાં આવી છે. આ ટેન્કમાં લિક્વીડ ઓક્સિજન હોય છે, જે સિલીન્ડર હોય છે, આ બન્નેની ભરવાની પણ વ્યવસ્થા કરી છે. રાજય સરકારનો સ્ટેટ કંટ્રોલરૂમ છે તેમના તરફથી નર્મદા જિલ્લાને ૨૪x૭ સતત મદદ મળી રહી છે. અને તેના કારણે અલગ અલગ મેન્યુફેકચરર્સ પાસેથી સરળતાથી ટેન્ક અને સિલીન્ડર બંને ભરી શકીએ છીએ, સ્ટોકમાં પણ રાખી શકીએ છીએ, જેથી કરીને કોઇપણ રિફીલીંગ કરવામાં મોડું થાય કે, અન્ય કોઇ મુશ્કેલી ઉભી થાય તો પણ આપણી પાસે સ્ટેન્ડ બાય જથ્થો સ્ટોકમા હોવાને લીધે ઓકસિજનવાળા દરદીને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરાઇ છે.
જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે તેમની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની આ મુલાકાત દરમિયાન હાઉસ કિપીંગ, સિકયુરીટી, પીવાના પાણી, બે ટાઇમ ચા-નાસ્તો, લંચ-ડીનરની વ્યવસ્થા અને દવાનો પૂરતો જથ્થો માસ્ક, સેનેટાઇઝેશન વગેરેની જાણકારી પણ મેળવી હતી. આ અંગે જિલ્લા કલેકટરશ્રી શાહે જણાવ્યું હતું કે, મેં જાતે સિવિલ સર્જન ડો. જયોતીબેન ગુપ્તા સાથે PPF કીટ પહેરીને વિવિધ વોર્ડની મુલાકાત લઇ, આઇસીયુ વોર્ડમાં તમામ દરદીના ખબર અંતર પૂછીને તેમનો જુસ્સો વધારવામાં આવ્યો છે. તમામ દરદીઓનું સાયકોલોજીકલ કાઉન્સેલીંગ કરવામાં આવે છે, જેથી કરીને મેન્ટલ સ્ટ્રેસ ન આવે અને તેમના મનોબળમાં વધારો થાય અને પ્રોનીંગ થેરાપી કરવામાં આવે છે. જેથી કરીને ઓક્સિજનની જરૂરીયાત ઘટે અને ખૂબ હકારાત્મક વાતાવરણમાં દરદીઓની સારવાર થઇ રહી છે, તે અંગે તમામ દરદીઓએ સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ શ્રી ડી.એ.શાહે વધુમાં ઉમેર્યું હતું. અહીં પણ જ્યાં જરૂર લાગે ત્યાં જરૂરી સૂચનાઓ આપી છે અને સિવીલ સર્જનથી માંડીને અધિક કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી અને તેમની સમગ્ર ટીમ ખડેપગે ૨૪x૭ સતત કામગીરી કરી રહી છે, હેલ્પડેસ્ક પણ ૨૪x૭ સતત ચાલે છે, લેન્ડલાઇન અને મોબાઇલ નંબરની સુવિધાઓ પણ જરૂરી સેવાઓ માટે ઉપલબ્ધ કરાયેલ છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે વધુમાં જણાવ્યું હતું કે, RTPCR લેબ પણ સત્વરે નર્મદા જિલ્લા માટે મંજૂર કરી દીધી છે. આપણા તરફથી અત્યાર સુધી વડોદરા અને સુરત ચકાસણી માટે સેમ્પલ મોકલવામાં આવતાં હતાં, પરંતુ આ એસ્પિરેશનલ –ટ્રાયબલ જિલ્લો છે અને પ્રભારી સચિવશ્રીની દરમિયાનગીરીથી RTPCR ની લેબ મંજૂર થઇ ગઇ છે, જે આગામી બે-ત્રણ દિવસમાં રાજપીપલા ખાતે કાર્યરત થઇ જશે, જેથી કરીને આપણે ક્યાંય જવું નહી પડે.
લેટેસ્ટ સુચના પ્રમાણે સમગ્ર નર્મદા જિલ્લામાં એકપણ ઓકસિજન મેન્યુફેકચરર્સ નથી કે રીફલીંગની વ્યવસ્થા નથી અને તેના કારણે સરકારે ખૂબ જ ઉદાર રીતે નર્મદા જિલ્લા માટે ઓકસિજન પ્લાન્ટ મંજૂર કર્યો છે. કેન્દ્ર-રાજય સરકારની મદદની અને HPCL કંપની રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે જ ઓકસિજનનો પ્લાન્ટ કરશે. અને તે ઓકસિજન પ્લાન્ટનું હયાત લાઇન સાથે જ જોડાણ કરવામાં આવશે, જેથી કરીને આપણે ગેસ રિફલીંગ માટે જે બરોડા, ભરૂચ અને બીજી અલગ અલગ જગ્યાએ જવું પડે છે તે જવાનું પણ રહેશે નહીં. આમ, ટ્રાન્સપોર્ટેશનમાં જે સમય જાય છે તે પણ આગામી સમયમાં ઓકસિજનનો પ્લાન્ટ કાર્યરત થયેથી તે મુશ્કેલી પણ દૂર થશે. આવનાર સમયમાં આપણે દૂરંદેશી વાપરી આગોતરૂં પ્લાનીંગ કરી સતત સુવિધામાં વધારો કરી રહયાં છીએ. કોવિડ કેર સેન્ટરમાં પણ હયાત રાજપીપલા ખાતે માત્ર એક જ જગ્યાએ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર હતું, જેમાં ૧૫૦ બેડ કાર્યરત હતાં તેમાં પણ પ્રભારી સચિવશ્રી-સરકારની સૂચના અન્વયે આપણે તમામ તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરીને તેમાં લગભગ ૯૨૮ બેડની સુવિધા ઉભી કરી બેડ કાર્યરત કરાયાં છે. આપણે ત્યાં વિવિધ અલગ જગ્યાએ ધન્વંતરી રથ કામ કરી રહયાં છે. માઇક્રોકન્ટેઇનમેન્ટની ટીમ કામ કરી રહી છે. આપણે ત્યાં અલગ અલગ શહેરી વિસ્તારમાં નવા નવા કિયોસ મુકવામાં આવ્યા છે. એ કિયોસ એવા છે કે જયાં વેકસીનેશન અને ટેસ્ટીંગની કામગીરી પણ થાય છે. રાજપીપલા શહેરી વિસ્તારમાં લગભગ ૪ જગ્યાએ, દેડીયાપાડા, સાગબારા, સેલંબા, દેવલીયા ચોકડી, કેવડીયા આ બધી જગ્યાએ સેન્ટર ચાલે છે. આ બધી જગ્યાએ જયાં જયાં પેઝિટીવ કેસીસ આવે, ટેસ્ટીંગ થાય, ત્યાં ત્યાં એને કાં તો હોમ-આઇસોલેશન કરવામાં આવે છે, કાં તાલુકા કક્ષાએ જ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે. પછી વિશેષ જરૂર હોય તો રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. પ્રોફાલીટીક મેડીસીન, થારાપીસ્ટ મેડીસીન કિટ પણ આપવામાં આવે છે, જેમાં અલગ અલગ દવાઓ મેડીકલ પ્રોટોકોલ મુજબ અને ઇન્ડીયન મેડીકલ એસોશિએશનની ગાઇડલાઇન મુજબ જરૂરી દવા પણ આપવામાં આવે છે.
જિલ્લા કલેક્ટરશ્રી શાહે વધુમાં જણાવ્યા મુજબ જિલ્લામાં સ્થિતી એકદંરે સંતોષકારક અને કંટ્રોલમાં છે તેમજ આગામી સમયમાં વધુને વધુ સરળ કેમ બની શકે તે માટે સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર ૨૪x૭ કાર્યરત છે અને ખૂબ સારું કામ કરી રહ્યાં હોવાથી સમગ્ર ટીમને અભિનંદન પાઠવવાની સાથોસાથ સ્વૈચ્છિક લોકડાઉન રાખવા બદલ વેપારી એસોશિએશનના વેપારીઓ, નર્મદા જિલ્લાના પ્રજાજનોનો પણ તેમણે આ તકે આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લાના પ્રજાજનોને અવશ્ય માસ્ક પહેરવાં, વારંવાર સેનિટાઇઝેશન કરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાંની સાથોસાથ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચુસ્તપાલન કરવાં ઉપરાંત મનોબળ મજબૂત રાખવાની આવશ્યકતાની સાથે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવા તેમજ યોગ્ય સમયે વેક્સીનેશનનો બીજો ડોઝ પણ અવશ્ય લેવા અને પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથોસાથ સમાજને પણ સુરક્ષિત રાખવાં તેમણે હદયસ્પર્શી જાહેર અપીલ કરી છે.