
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા
કોરોના મહામારીનો કેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના મહામારીમાં (Covid19) લોકો વધુ સંક્રમિત ના થાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ સરાહનિય પગલા ભરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં નવરાત્રી સહિતના તહેવારોને લઇને ગુજરાત સરકારે (Gujarat Government) ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા, દિવાળી જેવા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના જ થઇ શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગરબા રસીકોએ નિરાશ થવાનો વારો આવ્યો છે, રાજ્ય સરકારની ગાઇડલાઇનનો અમલ 16 ઓક્ટોબરથી થશે.
રાજ્યમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
રાજ્યમાં દશેરા, દુર્ગાપૂજા, દિવાળી, બેસતુ વર્ષનું સ્નેહમિલન, ભાઇબીજ – શરદપૂર્ણિમા જેવા ઉત્સવો ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવુ સલાહ ભર્યુ છે, આગામી તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોઇ કોરોના સંક્રમણનો ખતરો રહેતો હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જો સરકારની ગાઇડ લાઇન્સનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ
– નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઇ પણ ગરબાનું જાહેર આયોજન નહી થઇ શકે.
– નવરાત્રીમાં મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહી કરી શકાય અથવા પ્રસાદનું વિતરણ પણ નહી કરી શકાય.
– જાહેર કાર્યક્રમમાં 200 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
– થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે, હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. – 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.
– લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે.
-મૃત્યુ બાદની અંતિમક્રિયા, ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે.