
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, ૩૦.૯૭ કિલોના ૭ છોડ સાથે શખ્સની ધરપકડ:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતર સામે ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને વઘઈ પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS) દ્વારા “નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત માદક પદાર્થોના ઉત્પાદન અને સેવનને નાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાઓના પગલે ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વઘઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. ચાવડા અને LCBના પીએસઆઈ જે.જી. અનડકટની ટીમે સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરી હતી.
પોલીસ ટીમને બાતમી મળી હતી કે, વઘઈ તાલુકાના બરડા ગામના રહેવાસી હરીભાઈ રડકેભાઈ રાઠોડ (ઉં.વ.૪૦) પોતાના રહેણાંક મકાનના પાછળના વાડામાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા મકાઈ, ભીંડા, કાકડી તેમજ ખરસાટાના છોડની વચ્ચે ગાંજાના છોડ વાવવામાં આવ્યા હોવાનું મળી આવ્યું હતું. અન્ય પાકની વચ્ચે ગાંજાના છોડ એવી રીતે ઉગાડવામાં આવ્યા હતા કે બહારથી સરળતાથી કોઈને શંકા ન જાય.
પોલીસની તપાસ દરમિયાન વાડામાં ૩ ફૂટથી ૧૩ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતા ગાંજાના કુલ ૭ છોડ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ છોડ કબજે કર્યા હતા. ગાંજાના છોડનું કુલ વજન ૩૦.૯૭ કિલોગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂ. ૧૫,૪૮,૫૦૦ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હરીભાઈ રડકેભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં મોટી રકમના ગાંજાના વાવેતર સામે કરવામાં આવેલી મહત્વપૂર્ણ કાર્યવાહીઓમાં આ કાર્યવાહીનો સમાવેશ થાય છે. વઘઈ પોલીસ અને LCBની સંયુક્ત કામગીરીથી ગેરકાયદેસર માદક પદાર્થોના વાવેતર સામે પોલીસની સઘન કાર્યવાહીનો સંદેશો મળ્યો છે. “નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત” અભિયાન હેઠળ માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર, ઉત્પાદન, હેરાફેરી અને સેવન સામે ડાંગ પોલીસ દ્વારા કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.



