
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ‘ગુરુપૂર્ણિમા’ની ઉજવણી કરાઈ:
દિનકર બંગાળ, આહવા: ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત ‘સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર’, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય પી. પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા જીવનનું ઘડતર કરનાર ગુરુજનો પ્રત્યેનો આદર અને પૂજ્યભાવ હૃદયપૂર્વક સદાય જળવાઈ રહેવો જોઈએ.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ ભાવસભર નૃત્ય રજૂ કરીને ગુરુ વંદના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પથરાઈ ગઈ હતી.
આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ માતા-પિતા, ગુરુજનો તેમજ રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પંચાંગ પ્રણામ કર્યા હતા. સાથે જ, વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.



