શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા થી દેડીયાપાડા વચ્ચે નેશનલ હાઇવે હજુ પણ બિસ્માર હાલતમાં : અકસ્માતને નોંતરૂ …. જવાબદારી કોની.?
રસ્તા પર મસ મોટાં ખાડા: નેશનલ હાઇવે નં-753 બી બિસ્માર હાલત થતા વાહન ચાલકોમાં મૂશ્કેલી, તંત્રની ઉંઘ ક્યારે ઉડે તે જોવાનું રહ્યું!
સાગબારા થી ડેડીયાપાડા ને જોડતો નેશનલ હાઇવે નંબર 753 બી માચ ચોકડી થી ડેડીયાપાડા સુધી 20 કિલોમીટર એટલીહદે બિસ્માર બન્યો છે કે આટલુ અંતર કાપતા 1 કલાક જેટલો સમય નીકળી જાય છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ પૂર્વ નેશનલ હાઇવે ઓથોરિટી આળસ દાખવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
મહારાષ્ટ્ર સરહદે થી ડેડીયાપાડા સુધીનો નેશનલ હાઇવે વર્ષોથી ખાડાઓ માટે પ્રખ્યાત બન્યો છે. પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન આ હાઇવે ઉપર મસમોટા ખાડાઓ પડે છે જેના કારણે હાઉવે બિસ્માર બની જાય છે ને વાહન ચાલકો તોબા પોકારી ઉઠે છે. અને આ ખાડાઓ પૂર્વ વર્ષે વર્ષે લાખો કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, છતાં કોઈ પરિણામ મળતું નથી. નેશનલ હાઇવે ઓથોરિટીના એન્જીનીયરો કઇ યુનિવર્સિટી માંથી ડીગ્રી લઈને આવ્યા છે કોઈ નક્કર પરિણામ આપી શકતા નથી ને વર્ષે વર્ષે ચોમાસા દરમિયાન અહીં ખાડાઓનું સામ્રાજય ફેલાઈ જાય છે.
સાગબારા થી ડેડીયાપાડા સુધીના હાઇવેનું અંતર 26 કિ.મી નું છે જેમાં માચ ચોકડી થી ડેડીયાપાડા સુધીના 19 થી 20 કિ.મીનો હાઇવે હાલ બિસ્માર અવસ્થામાં છે. રાજયના મુખ્યમંત્રીની નવરાત્રી પહેલા રાજ્યના દરેક રસ્તાઓ ખાડા મુક્ત કરવાની જાહેરાત અહીં પોકળ સાબિત થઈ છે. ભલે આ હાઇવે નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ આવતો હોઈ પરંતુ પસાર તો ગુજરાત રાજ્ય માંથી જ થાય છે ને? તો પછી સાગબારા જેવા આદિવાસી પછાત વિસ્તાર માટે આવું ઓરમાયું વર્તન શા માટે ? આ નેશનલ હાઇવે ઉપર ખાડાઓ પડ્યા છે કે પછી ખાડાઓમાં નેશનલ હાઇવે છે તે નક્કી કરવું હાલ મુશ્કેલ બન્યું છે. ડેડીયાપાડા થી નેત્રંગ વચ્ચે ના હાઇવેનું સમારકામ તો કરી દેવાયુ ત્યારે સાગબારા સાથે આમ અન્યાય કેમ ?
સાગબારા ડેડીયાપાડા વચ્ચે દરરોજના 10 થી વધુ વાહનો ખોટકાઈ ને અધવચ્ચે ઉભા રહી જાય છે. જેના કારણે રાત્રી દરમિયાન અકસ્માત સર્જાતા હોઈ છે ને નિર્દોષ વ્યક્તિ ઓ પોતાનો જીવ પણ ગુમાવતા હોઈ છે તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીના પેટનું પાણી હલતું નથી. સાગબારા ડેડીયાપાડા વચ્ચે ના 26 કિ.મી નું અંતર કાપતા એક્સપ્રેસ બસને એક કલાક જેટલો સમય લાગે છે ત્યારે વિચારો કે લોકલ બસને કેટલો સમય લાગતો હશે ? લોકોના સમયની શુ કોઈજ કિંમત નથી ? વહેલી તકે બિસ્માર હાઇવેના ખાડાઓ પુરવામાં આવે તેવી વાહન ચાલાકો સહિત સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
રોજ બરોજના સાગબારા થી ડેડીયાપડા, નેત્રંગ અંકલેશ્વર સુધી અપડાઉન કરતા કામદાર, ધંધાર્થીઓ , નોકરિયાત વર્ગમાં પણ ભારે રોષ ફેલાયો છે. છતાં સ્થાનિક નેતાઓ લોકોની સમસ્યા દૂર કરવા વામના પુરવાર થઈ રહ્યા છે. ને કહેવાય છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ તેઓનું સાભળતા પણ નથી. હવે જોવું એ રહ્યું કે તંત્રની ઉંઘ ક્યારે ઉડે અને ખાડાઓ પુરે.