
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારામાં ટૂર પેકેજના નામે છેતરપિંડીની ફરિયાદ:
દિનકર બંગાળ, આહવા: વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ ગિરિશભાઈ ચૌહાણે સાપુતારામાં ટૂર પેકેજના નામે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ૧૭ મે, ૨૦૨૬ના રોજ પત્ની સાથે સાપુતારા ફરવા દરમિયાન Vendorland Tours & Vacations Pvt. Ltd.ના પ્રતિનિધિઓએ આકર્ષક એશિયા ટૂર મેમ્બરશિપની ઓફર આપી હતી. કંપનીના પ્રતિનિધિઓની ખાતરીના આધારે ફરિયાદીએ રૂ. ૭૬ હજારનું પેકેજ ખરીદી તેની ચૂકવણી UPI અને ક્રેડિટ કાર્ડના EMI મારફતે કરી હતી. બાદમાં કાશ્મીર સહિતના સ્થળોના બુકિંગ માટે સંપર્ક કરતાં કંપનીએ વધારાના ચાર્જની માંગણી કરી હતી અને અગાઉ વચન આપેલી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ અનેક વખત ફોન, વોટ્સએપ અને ઈ-મેલ દ્વારા સંપર્ક કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો તેમજ રિફંડ આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં કંપનીના સંચાલક અને કર્મચારીઓ સામે ટૂર પેકેજના નામે લોભામણી ઓફર આપી રૂ. ૩૬ હજાર તથા ક્રેડિટ કાર્ડના વ્યાજના રૂ. ૧૦,૫૦૦નું નુકસાન પહોંચાડી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાપુતારા પોલીસ સ્ટેશનના PSI બી.બી.પટેલે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



