શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સી.એન.આઈ મંડાળા, ગારદાના દેવળોમાં ખજૂરી રવિવાર ‘પામ સન્ડે ‘ ની ઉજવણી કરવામાં આવી:
દેડીયાપાડા તાલુકામાં વસતા ખ્રિસ્તી સમુદાયના નાગરિકોએ પવિત્ર સપ્તાહના રવિવારે શ્રદ્ધાપૂર્વક દેવાલયોમાં ‘પામ સન્ડે’ ખજૂરીના રવિવારની ઉજવણી કરી હતી.દેડીયાપાડા નાં અલગ અલગ ગામો સહિતના ચર્ચમાં અતિપવિત્ર સપ્તાહનો પ્રારંભ થયો હોઈ ઈસુખ્રિસ્ત માટે પ્રાર્થના, બાઇબલ સંગત, શિબિર સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
આ અંગે ધર્મગુરુ રેવ.કિશનભાઇ વસાવા એ જણાવ્યું હતું કે-‘યરૂસાલેમમાં ઈશુનો વિજય પ્રવેશ’ અર્થાત ‘ખજૂરીનો રવિવાર’.આ દિવસે ઈશુએ ખોલકા ઉપર બેસીને પોતાની મૃત્યુયાત્રા ભણી પ્રયાણ આદર્યું. લોકોએ હાથમાં ખજૂરીની ડાળીઓ લઇ તેમનું એક રાજા તરીકે સ્વાગત કર્યું. ઇસુના સંઘર્ષ અને પછી મુક્તિદાતા ઓળખને આપણે ભૂલી જવા ન જોઈએ. આપણે હમેશા સારી બાબતોમાં હાજરી આપીએ છીએ પરંતુ દુઃખદ ઘટનાંઓથી દુર રહીએ છીએ. તે અયોગ્ય છે. કોઇપણ વ્યક્તિના દુઃખમાં આપણે સહભાગી બની સાચા માનવી તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ.
દેડીયાપાડા નાં મંડાળા, ગારદા ગામે ડાળીઓ સાથે ખ્રિસ્તી પરિવારોનું સરઘસ નીકળ્યું હતું જ્યાં ચર્ચમાં ધર્મગુરુ રેવ.કિશન વસાવા સાથે “મહા પ્રસ્થાનનું “વાંચન કરાયું હતું.
પવિત્ર સપ્તાહના પ્રારંભે ‘ધ ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા નાં ધર્મગુરુ એ જણાવ્યું હતું કે, ખ્રિસ્તીજનો ૪૦ દિવસ ઉપવાસ કરે છે. ઈસુખ્રિસ્તે માનવજાત માટે બલિદાન આપ્યું. ક્ષમા, પ્રેમ બલિદાનના સાક્ષાત સ્વરૂપ ભગવાન ઈસુએ પોતાના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું. ભોજન પહેલાં શિષ્યોનાં પગ ધોયા હતા અને નમ્રતા તથા સાદગીનો સંદેશો આપ્યો હતો. ‘પામ સન્ડે’ના ભાગરૂપે ચર્ચમાં પ્રાર્થના તથા ડાળીઓ સાથે સરઘસનું આયોજન હાથ ધરાયું હતું. તમામ પ્રોટેન્ટન્ટ દેવળોમાં સોમવારથી શરૂ કરી શનિવારની રાત સુધી દરરોજ ખ્રિસ્તીજનો ભેગા મળી બાઈબલનું વાંચન કરી પ્રાર્થના કરશે.
પવિત્ર સપ્તાહનો પ્રારંભ ‘પામ સન્ડે’થી ખ્રિસ્તી પરિવારો પ્રાર્થના અને શિબિરમાં જોડાશે.પવિત્ર સપ્તાહમાં પ્રાર્થનાને વિશેષ મહત્વ આપશે.