
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આપ બળે ‘આત્મ નિર્ભર’ બનેલા નડગખાદી ગામના ‘રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ’ ને મળ્યો સ્વૈચ્છીક સંસ્થાઓનો સાથ:
–
ગાયકવાડ પરિવારે મંડળના આઉટલેટ અને બેકરી યુનિટ માટે જગ્યા સેવામા આપતા મંડળનો વ્યવસાય વિકસ્યો :
–
‘રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ’ ની ગ્રામ્ય નારીઓ આત્મ વિશ્વાસ સાથે કહી રહી છે ‘હમ ભી કિસી સે કમ નહિ’
આહવા : તા : ૨૫: ‘વોકલ ફોર લોકલ’ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અનુસાર સખત પરિશ્રમ, લગન, અને મહેનતના જોરે બે પાંદળે થયેલા ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ‘સખી મંડળ’ ની આજે અહીં વાત કરવી છે.
પૌષ્ટિક ધાન્ય ‘નાગલી’ના વેલ્યુ એડેડ ઉત્પાદનો, અને ઓર્ગેનિક પેદાશોનુ વેચાણ કરતા ‘રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ’ ની ગ્રામ્ય મહિલાઓની ધગશ, મહેનત, અને આવડતને અર્થ ઉપાર્જન તરફ વાળીને, તેમને પ્રોત્સાહન પુરુ પાડવાના પ્રયાસોના પરિપાક રૂપે આજે બે પાંદડે થયેલા આ સખી મંડળની નારીઓ, તેમના રોજિંદા ઘરકામ સાથે ઘરઆંગણે જ રોજગારી મેળવી રહી છે.
મંડળના મંત્રી શ્રીમતી કલ્પના ગાયકવાડે જણાવ્યુ હતુ કે, ‘મહદઅંશે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ડાંગના પ્રજાજનોને જો રોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થવુ હોય તો ઘર પરિવાર, અને ગામ છોડીને ડાંગ બહાર જવુ પડે. જે અહીંની બધી બહેનો માટે શક્ય નથી. ત્યારે સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે સખી મંડળોની રચના કરીને, ખૂબ જ આશીર્વાદનુ કામ કર્યું છે.’
‘આજે શિક્ષિત કે અર્ધ શિક્ષિત, અરે અશિક્ષિત મહિલાઓ પણ સ્વમાનભેર, અને તે પણ ઘર આંગણે જ રોજગારી મેળવતી થઈ છે. જે આ સખી મંડળોને આભારી છે’ એમ તેમને ગર્વપૂર્વક ઉમેર્યું હતુ.
સને ૨૦૦૯ના વર્ષમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ‘મિશન મંગલમ યોજના’ હેઠળ રચાયેલા આ સખી મંડળને શરૂઆતમા જ ₹ ૫ હજારનુ રિવોલવિંગ ફંડ મળ્યુ હતુ. જેનાથી નાના પાયે નાગલીના પાપડથી શરૂ કરીને તેના વેચાણ સુધીની વ્યવસ્થા હાથ ધરી, આ મંડળે આંતરિક ધિરાણ અને બચતની પ્રવૃત્તિ પણ શરૂ કરી હતી.
શરૂઆતના તબક્કે મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને ‘ગ્રામીણ મેળા’મા લઇ જઈને શહેરીજનોને શુદ્ધ, અને સાત્વિક ચીજવસ્તુઓ પુરા પાડી, આ બનાવટોને વ્યાવસાયિક રૂપ આપવામા આવ્યો હતો. જેને ‘આગાખાન’ અને ‘યુ.પી.એલ.’ જેવી સંસ્થાઓનો સાથ મળતા નવી ઊંચાઈઓ મળી હતી.
‘આગાખાન’ સંસ્થા દ્વારા આ સખી મંડળને અંદાજીત ₹ ૭ લાખના ખર્ચે બેકરી યુનિટના સાધનો ફાળવવામા આવ્યા હતા. તો ‘યુ.પી.એલ.’એ મંડળને મકાન અને જનરેટરની સુવિધા માટે છ એક લાખની મદદ પુરી પાડી હતી. સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ ‘ગ્રામીણ એક્સપ્રેસ યોજના’ હેઠળ મંડળની પ્રવૃત્તિઓમા જરૂરી એવી ‘ઇકો વાન’ ખરીદવા માટે રૂપિયા બે લાખની સહાય પુરી પાડી હતી. જેને કારણે આ જૂથની ૧૧ ગ્રામ્ય મહિલાઓએ મોટે પાયે બેકરી ઉત્પાદનો શરૂ કર્યા છે, તેમ જણાવતા કલ્પના ગાયકવાડે વધુમા જણાવ્યુ હતુ કે, ‘આ વ્યવસાયને કારણે અમે જૂથ સિવાયની ગામની અન્ય બાર થી પંદર બહેનોને ઘર આંગણે રોજગારી આપતા થયા છે. જે અમારા માટે ગૌરવની વાત છે. ગ્રુપની ૧૧ મહિલાઓમા ધોરણ ૩ થી લઈને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરનાર ગ્રામીણ નારીઓ છે. જે સીમિત અભ્યાસ હોવા છતા આજે સ્વયં ઘર આંગણે રોજગારી મેળવવા સાથે, અન્યોને પણ રોજગારી આપતી થઈ છે.’
ગ્રામીણ નારીઓની આ મહેનત અને લગન ને જોઈને નડગખાદીના ગાયકવાડ પરિવારે ગ્રુપની બહેનોના વિકાસમા સહભાગી થતા, તેમના ઘર પાસે જ બેકરી યુનિટ અને આઉટલેટ માટેની જગ્યા, સેવામા આપીને ‘રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ’ને પ્રોત્સાહિત કરી છે.
વર્ષે દહાડે સાતેક લાખ રૂપિયાનુ ટર્ન ઓવર ધરાવતા આ ગ્રૂપને પચાસ ટકા નફાનુ માર્જિન મળી રહે છે, તેમ જણાવતા મંત્રી કલ્પના ગાયકવાડે ‘આ વ્યવસાયને વધુ વિકસાવી શકાય તે માટે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા ખેત પેદાશોના ખરીદ વેચાણમા પણ ઝંપલાવ્યુ છે’ તેમ જણાવ્યુ હતુ. અહીં મંડળના આઉટલેટમા નાગલીની વિવિધ આઇટમો સાથે દેશી અનાજ, અને કઠોળ, વાંસનુ અથાણુ, ડાંગી ચટણી, મસાલા, હળદર, ધાણાજીરું, સિંધવ મીઠુ, લાલ અને કાળા ચોખા, ઈન્દ્રાણી, આંબામોર, અને કળાના ચોખા જેવી અનેક વેરાયટી વેચાણ માટે મુકવામા આવી છે. તેમ, આ સખી મંડળના પ્રમુખ શ્રીમતી સુમિત્રા પાડવીએ વાતમા સુર પુરાવતા જણાવ્યુ હતુ.
આહવા-વઘઇ રોડ ઉપર નડગખાદી ગામના એસ.ટી. સ્ટેન્ડની બાજુમા જ આવેલા આ આઉટલેટની મુલાકાતે ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, તથા પર્યટકો નિયમિત રીતે આવતા હોય છે.
ગ્રામીણ મહિલાઓને ‘આત્મ નિર્ભર’ અને ‘સશકત’ બનાવતા ‘સખી મંડળ’ ના માધ્યમથી સ્થાનિક રોજગારીનો હેતુ સિદ્ધ કરવાના સરકારના પ્રયાસોની જાણકારી મેળવતા, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ પણ એ ઉપક્રમને આગળ ધપાવતા, તાજેતરમા ‘નડગખાદી’ ગામના ‘રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ’ની જાત મુલાકાત લઇ, અહીંની ગતિવિધિઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગામડા ગામમા પોતાના ઘરપરિવારની જવાબદારીઓ સુપેરે નિભાવવા સાથે, આર્થિક રીતે પગભર થયેલી આ ગ્રામ્ય નારીઓ ગર્વ ભેર કહી રહી છે ‘હમ ભી કિસી સે કમ નહિ’