શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સી.એન.આઈ ચર્ચ મંડાળા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ‘ગુડ ફ્રાયડે’ (ભલા શુક્રવાર)ની ઉજવણી કરવામાં આવી:
કોરોના ને કારણે ધાર્મિક સ્થળો પર ઓછી સંખ્યા માં સાદાઈ થી વિશેષ પ્રાર્થના સહિતના કાર્યો કર્યા:
સમગ્ર માનવ જાતને પ્રેમનો સંદેશ આપનાર ઈસુના વધ:સ્તંભ ઉપર મૃત્યુના દિવસને ગુડ ફ્રાયડે (પવિત્ર શુક્રવાર) તરીકે ઉજવવામાં આવે છે.
આજે ગુડ ફ્રાયડે આખી દુનિયા માં ખ્રિસ્તી સમુદાય માટે ઈશુના બલિદાનની યાદગીરીમાં ઊજવવા માં આવે છે. ખ્રિસ્તી સમુદાય નાં જણાવ્યા અનુસાર સમગ્ર સૃષ્ટિ નાં માનવ જાત ના પાપો નાં માફી માટે ઈસુ ખ્રિસ્ત આજે ક્રુશે જડાયા હતા.
જેની ઉજવણી ના ભાગ રૂપે આજે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડાળા ખાતે ગુડ ફ્રાયડે નિમિતે પ્રાર્થના સભા યોજાઈ હતી.
જેમાં મંડાળા નાં ધર્મ ગુરુ રેવ.કિશન વસાવા દ્વારા ગુડ ફ્રાઈડે નાં દિવસે કોરોના મહામારી માં પીડાતા લોકો માટે તેમજ કોરોના સંક્રમણ ઘટે, અને સંપૂર્ણ પણે કોરોના નાબૂદ થાય તે માટે ખાસ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
ગુડ ફ્રાઈડે અર્થાત શુભ શુક્રવાર એટલે પ્રભુ ઈસુનો મરણ દિન. ઈશ્વર ઈચ્છાને માથે ચઢાવીને સત્ય અને પ્રેમ ખાતર ઈસુએ વહોરેલી શહાદતનો દિન. ક્રોસ પર ઈસુએ ઉચ્ચારેલા સાત અંતિમ વાણી ઓ આજે પણ લોકો યાદ કરે છે. સતાવનારા ઓ પર પ્રેમ અને માફી નો સંદેશ બહુ પ્રચલિત છે.
ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે વિવિધ દેવાલયોમાં પ્રભુ ઈસુના મરણની જીવંત ભક્તિ યોજાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ તમામ ધાર્મિક સ્થળો પર સાદાઈ થી અને સાદગી પૂર્વક ખ્રિસ્તીબંધુઓ દ્વારા ગુડ ફ્રાઈડેની ઉજવણી કરાઈ હતી. સાથે વિશેષ પ્રાર્થનાઓ યોજી પ્રભુ ઈસુના મરણ પ્રસંગને યાદ કર્યો હતો. કેટલાક ધાર્મિક સ્થળના સંચાલકો દ્વારા સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રભુ ઈસુના બલિદાન અંગે વિશેષ સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
‘ગુડ ફ્રાઈડે’ મતલબ ઈસા મસીહનો બલિદાન દિવસ:
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો દિવસ.
ઈશુએ ઈશ્વરીય પ્રેમથી ભરપૂર થઈને માનવીય શરીરનુ ખુશીપૂર્વક બલિદાન કર્યુ હતુ. તેઓ દુ:ખોથી આ સંસારને મુક્તિ અપાવવા માંગતા હતા અને તેથી તેમણે ખુદ માટે દુ:ખ સ્વીકાર કર્યુ. આ રીતે આજના આ પુણ્ય દિવસે આપણા માટે પ્રેમ અને ક્ષમાનો તેમનો સંદેશ છુપાયેલ છે.
જે દિવસે ઈસા મસીહને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા અને તેમણે પોતાના પ્રાણ ત્યજ્યા એ દિવસે શુક્રવાર હતો. ઈશુના બલિદાન આપવાને કારણે જ આ દિવસને ‘ગુડ ફ્રાઈડે’ કહેવાય છે. ત્યારબાદ પવિત્ર શુક્રવારથી લઈને પવિત્ર શનિવારની મધ્ય રાત્રિ સુધી કબ્રસ્તાનમાં રહ્યા પછી રવિવારના દિવસે પ્રભુ ઈશુ મરણ માંથી પુનહઃ જીવિત થયાં. આ દિવસને “ઈસ્ટર સંડે” કહેવામાં આવે છે.