શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
તા.૧૨ થી ૧૬ માર્ચ દરમિયાન સુરત ખાતે યોજાશે ઓર્ગેનિક ખેત પેદાશોનો મેગા વેચાણ મેળો :
તારીખ: ૧૦: આગામી તા.૧૨મી માર્ચ થી ૧૬મી માર્ચ, ૨૦૨૩ દરમિયાન સુરતના મજૂરા ગેટ ખાતે આવેલા શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ ખાતે ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા પકવવામાં આવેલ ઓર્ગેનિક ખેત પેદાશોનો મેગા વેચાણ મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
આ વેચાણ મેળામાં કુદરતી પોષક તત્વો લોહ (આયર્ન) તથા કેલ્શિયમ જેવા તત્વો ધરાવતી નાગલી, અને નાગલીનો લોટ, લુપ્ત થતી દેશી ચોખાની જાતો જેવી કે આંબામોર, લાલકડા, દુધમલાઇ, ચીમનસાળ, બંગાળો, દેશી કોલમ, દેશી મગફળી અને વરઇ જેવા ધાન્યનું વેચાણ કરવામાં આવશે.
આ ઉપરાંત ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના ઓળખસમા દેશી ડાંગી નાસ્તા ‘નહારી’ અને પૌષ્ટિક ભોજન માણવાની પણ ઉત્તમ તક મહાનગરવાસીઓ માટે ઉપલબ્ધ થશે.
ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવેલા અને સ્વાસથ્યપ્રદ પોષક તત્વોથી ભરપૂર ખેત પેદાશોના આ મેગા વેચાણ મેળામાં ઉપસ્થિત રહેવા મહાનગરવાસીઓને ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.