
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી
તાપી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જોડાયા 11 હજારથી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રો:
વ્યારા: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.૨૧૯૨ કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે પધારેલા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ આવકારવા માટે તાપી જિલ્લાના 11 હજારથી વધુ પ્રાકૃતિક ખેતી કરતા અને ટુંક સમયમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાનાર ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય પ્રધાનમંત્રીશ્રીના દિશા સુચનથી આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને દેશના પ્રત્યેક ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવી નેમ લીધી હતી. જે અંતર્ગત તાપી જિલ્લાના કૂલ ૪૬૬ રેવન્યુ ગામોના ૩૫૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત અંતર્ગત જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયાના નેતૃત્વ હેઠળ તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને કર્મચારીઓના સફળ માર્ગદર્શન હેઠળ ખેડૂત મિત્રોને તબક્કવાર પ્રાકૃતિક ખેતીમાં જોડવામાં આવી રહ્યા છે. હાલમાં તાપી જિલ્લામાં ૨૦૦૦ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રથમ વર્ષ:-૨૦૨૨-૨૦૨૩ માં કુલ ૧૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તથા બાકીના ૨૧૦૦૦ ખેડૂતોને આગામી બે વર્ષમાં પ્રાકૃતિક ખેતી હેઠળ જોડવામાં આવશે. જિલ્લામાં કુલ ૫૩૭ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવેલ છે જેઓ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપી વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવા પ્રેરીત કરી રહ્યા છે.