
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા ચેક પોસ્ટ પર પોલીસનું તુફાન :
બુટલેગરોને મોટો ઝટકો: સાપુતારા બોર્ડર પર ભાંડો ફૂટ્યો, એક આરોપીની ધરપકડ
ચોરખાનામાં છુપાયેલી દારૂની ૩૪૩૨ બોટલ સાપુતારા પોલીસે ઝડપી :
દિનકર બંગાળ, સાપુતારા : ડાંગ જિલ્લાની સરહદે આવેલ સાપુતારા પોલીસ ચેક પોસ્ટ પર પોલીસની તુફાની કાર્યવાહી એ દારૂ માફિયાઓના નેટવર્કને હચમચાવી દીધું છે. વાહન ચેકીંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર દારૂથી છલકાતો અશોક લિલેન્ડ બડાદોસ્ત ટેમ્પો ઝડપી પાડતાં દારૂ હેરાફેરીના મોટા રેકેટનો ભાંડો ફૂટ્યો છે. આ દમદાર કાર્યવાહીમાં પોલીસે રૂ. ૯,૧૭,૬૮૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના કડક આદેશ અને નાયબ પોલીસ અધિક્ષક આહવાના સચોટ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના પરિણામે સાપુતારા ચેક પોસ્ટ પર ચાલી રહેલી નિયમિત વાહન તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટેમ્પો પોલીસની તીક્ષ્ણ નજરમાં આવી ગયો હતો.
ટેમ્પોની બારીક અને ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ટેમ્પોની બંધ બોડીના ઉપરના તથા નીચેના ભાગે દારૂ છુપાવવા માટે કુશળતાપૂર્વક બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનાઓ મળી આવ્યા હતા. આ ખૂફિયા ખાંચાઓમાં પૂંઠાના બોક્સમાં છુપાવીને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઠસાઠસ ભરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ૩,૪૩૨ દારૂની બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. ૫,૪૭,૬૮૦ થાય છે.
પોલીસે દારૂ ઉપરાંત અશોક લિલેન્ડ ટેમ્પો (રૂ. ૩,૫૦,૦૦૦), મોબાઇલ ફોન (રૂ. ૫,૦૦૦) અને રોકડ રૂ. ૧૫,૦૦૦ સહિત કુલ રૂ. ૯,૧૭,૬૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી કચ્છ તરફ ગેરકાયદેસર દારૂનો વિશાળ જથ્થો ખસેડવામાં આવી રહ્યો હતો. ટેમ્પો ચલાવતા હિતેશ ખીમજી બાંભણિયા (રહે. પરાગપાર, તા. રાપર, જી. કચ્છ; હાલ રહે. મુંબઈ) ને પોલીસે સ્થળ પર જ ઝડપી લીધો હતો.
આરોપીની કડક પૂછપરછ દરમિયાન ખુલ્યું કે આ દારૂ મહારાષ્ટ્ર રાજ્યના ચેમ્પલુનના વોન્ટેડ આરોપી પ્રદીપ ચૌધરી પાસેથી મેળવી કચ્છ પહોંચાડવાનો હતો. આ ખુલાસા સાથે જ દારૂ માફિયાઓની સાંકળ બહાર આવી છે. સાપુતારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીનો ચક્ર ગતિમાન કર્યા છે.
પોલીસની આ તોફાની કાર્યવાહીએ દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તત્વોમાં દહેશત ફેલાવી દીધી છે અને જિલ્લામાં કાયદાની પકડ વધુ મજબૂત થઈ હોવાનું સ્પષ્ટ સંકેત આપ્યો છે.



