ક્રાઈમ

ઇંટ ભઠ્ઠાનો વેપારી પર ૩.૧૮ લાખની છેતરપિંડીનો આરોપ:

ડાંગના અનેક પરિવારો ફ્રોડ બાદ પોલીસ ફરિયાદ માટે આગળ આવ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ઇંટ ભઠ્ઠાનો વેપારી પર ૩.૧૮ લાખની છેતરપિંડીનો આરોપ:

ડાંગના અનેક પરિવારો ફ્રોડ બાદ પોલીસ ફરિયાદ માટે આગળ આવ્યા:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના માલેગામ ગામના રહેવાસી ગોવિંદભાઈ સોન્યાભાઈ ઠાકરેએ ઇંટોના ભઠ્ઠા સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, ફરિયાદી ગોવિંદભાઈ ઠાકરેના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન તેઓ પોતાની પત્ની મંદાબેન સાથે મકાન બાંધકામ માટે ઇંટો ખરીદવા શામગહાન ગામે ગયા હતા. ત્યાં ભઠ્ઠા ચલાવનાર રમેશભાઈ ખસીયાએ પ્રતિ ઇંટ રૂ. ૪ના ભાવે ઇંટો આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ગોવિંદભાઈએ ૨૦ હજાર ઇંટો ખરીદવાનો સોદો કર્યો હતો.

ફરિયાદ મુજબ, તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગોવિંદભાઈએ પોતાની બહેન મંજુલાબેન હરીભાઈ જોપળેના ઘરે રૂ.૫૦,૦૦૦ એડવાન્સ રૂપે રોકડ આપ્યા હતા. તે સમયે પત્ની મંદાબેન, બહેન મંજુલાબેન અને ભરતભાઈ રાઉત હાજર હતા. બાદમાં માર્ચ ૨૦૨૬ દરમિયાન રમેશભાઈ માલેગામ આવી બાકીના રૂ.૩૦,૦૦૦ પણ લઈ ગયા હતા. આમ કુલ રૂ. ૮૦,૦૦૦ ચૂકવ્યા છતાં માત્ર અંદાજે ૨ હજાર ઇંટો આપવામાં આવી હતી, જ્યારે બાકીની ઇંટો આપવામાં આવી નહોતી.

ગોવિંદભાઈએ જણાવ્યું કે તેમણે વારંવાર ફોન કરીને ઇંટો આપવાની માંગણી કરી હતી. એક ફોન વાતચીત દરમિયાન રમેશભાઈએ રૂ. ૮૦,૦૦૦ મેળવ્યાની કબૂલાત કરી હોવાનું અને તે વાતચીતનું રેકોર્ડિંગ પોતાના મોબાઇલમાં હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

તા. ૨૯ મે ૨૦૨૬ના રોજ ગોવિંદભાઈ, તેમની પત્ની, બહેન મંજુલાબેન અને હરીભાઈ જોપળે શામગહાન ગામે ભઠ્ઠા પર પહોંચ્યા હતા. ત્યાં રમેશભાઈ હાજર ન હતા, જ્યારે તેમના ભાગીદાર જીગ્નેશભાઈ કાળુભાઈ નારીગરા અને તેમની પત્ની હાજર હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે રમેશભાઈ પરિવાર સાથે ક્યાંક જતાં રહ્યા છે. તેમના મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન બંધ મળ્યો હતો.

તપાસ દરમિયાન અન્ય અનેક લોકો પણ છેતરપિંડીના ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. માલેગામના સીતારામભાઈ ધવળ્યાભાઈ દેશમુખે રૂ. ૩૦,૦૦૦ એડવાન્સ આપ્યા હોવાનું જણાવ્યું છે. ઉપરાંત શામગહાન ગામના સુમિત્રાબેન દિલીપભાઈ ચૌધરીએ રૂ. ૪૦,૦૦૦, તુકારામભાઈ મધુભાઈ ગાવિતે રૂ. ૪૨,૦૦૦, સુરેશભાઈ કાળુભાઈ ચૌહાણે રૂ.૩૨,૦૦૦, સતી ગામના કિરણભાઈ ચંદુભાઈ ખંડવળે રૂ.૪૧,૦૦૦ રોકડ તેમજ રૂ.૨૩,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવાયું છે. સતી ગામના નેહલભાઈ સુરેશભાઈ ઠાકરેએ પણ રૂ.૩૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે. આમ કુલ ૩.૧૮ લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાના આરોપ કરવામાં આવ્યા છે.

આ મામલે ગોવિંદભાઈ ઠાકરેએ રમેશભાઈ છગનભાઈ ખસીયા (રહે. લુવારવાવ, તા. પાલીતાણા, જી. ભાવનગર) સામે કાયદેસરની કાર્યવાહી અને સઘન તપાસ કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. સાપુતારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયાએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है