
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
હેલ્મેટનાં બોક્સની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, સાપુતારા પોલીસે રૂ.૯.૩૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો:
બોલેરો મેક્સી ટ્રકમાંથી ૧,૦૬૪ લીટરથી વધુ વિદેશી દારૂ ઝડપાયો; બે શખ્સો પોલીસ સકંજામાં, એક વોન્ટેડ
દિનકર બંગાળ, આહવા: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરોએ અપનાવેલી નવી તરકીબનો સાપુતારા પોલીસે પર્દાફાશ કર્યો છે. હેલ્મેટનાં બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલી બોલેરો મેક્સી ટ્રકને આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ પરથી ઝડપી પાડી પોલીસે રૂ.૯,૩૭,૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિવાળીના તહેવારને અનુલક્ષીને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ, પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી HR-39-C-7412 નંબરની બોલેરો મેક્સી ટ્રકને અટકાવી તપાસ કરતાં હેલ્મેટનાં બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૧૦૩ બોક્સમાંથી ૩,૬૯૬ બોટલ તથા ટીન બીયર મળી કુલ ૧,૦૬૪.૬૪ લીટર વિદેશી દારૂ, હેલ્મેટનાં ૧૪૦ બોક્સ, ટ્રક અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૯.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં હરિયાણાના ૧૮ વર્ષીય સચિન મુકેશકુમાર ખીરચી અને રાજસ્થાનના ૩૬ વર્ષીય ધરમવીર ઓમપ્રકાશ ખાતીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હરિયાણાના સીતારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
આ મામલે સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સતર્ક કાર્યવાહીથી આંતરરાજ્ય દારૂ હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.



