ક્રાઈમ

સોશિયલ મીડિયામાં રીલ માટે જીવ જોખમમાં મૂક્યો, ડાંગ SOGએ ૬ યુવકોને ઝડપી પાડ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સોશિયલ મીડિયામાં રીલ માટે જીવ જોખમમાં મૂક્યો, ડાંગ SOGએ ૬ યુવકોને ઝડપી પાડ્યા:

પૂરગ્રસ્ત નદીમાં જીવ જોખમમાં મૂકી વીડિયો બનાવ્યો; વાયરલ રીલના આધારે SOGની કાર્યવાહી, જાહેરનામાના ભંગ બદલ કડક ચેતવણી

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને ધોધોમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા માટે જોખમી સ્ટંટ કરનાર આહવાના છ યુવકો સામે ડાંગ પોલીસે કાર્યવાહી કરી છે. ખાપરી નદીમાં દેશી બોટ જેવા સાધન વડે રિવર રાફ્ટિંગનો સ્ટંટ કરી તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર તમામ યુવકોને પોલીસે ડિટેન કર્યા છે.

માહિતી મુજબ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નદી, તળાવ, ચેકડેમ અને ધોધમાં પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં, ૨૬ જુલાઈએ આહવા તાલુકાના દેવીનામાળ વિસ્તારમાં આવેલા વડદહાડ પુલ નજીક ખાપરી નદીમાં કેટલાક યુવકોએ ધસમસતા પૂરના પાણીમાં રાફ્ટિંગનો જોખમી સ્ટંટ કર્યો હતો.

સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં તે વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ SOGના પીએસઆઈ એમ. જી. શેખની ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે કૌશિકભાઈ જાદવ, બાલકૃષ્ણભાઈ દેશમુખ, તેજસભાઈ ગાયકવાડ, દિલીપભાઈ દેસાઈ, તુષારભાઈ ચૌધરી અને મનિષભાઈ તુંબડા (તમામ રહે. આહવા)ને ડિટેન કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ડાંગ પોલીસે ચોમાસા દરમિયાન પૂરગ્રસ્ત નદી, નાળા અને ધોધમાં ઉતરી રીલ બનાવવા કે સ્ટંટ કરવા સામે કડક ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર અને પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકનાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ આવા કિસ્સાઓમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૨૩ (જાહેરનામાનો ભંગ), કલમ ૧૨૫ અને ૨૯૦ (જોખમી અથવા બેદરકારીભર્યું વર્તન), ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૧/૧૩૫ તેમજ જરૂરી સંજોગોમાં માહિતી પ્રૌદ્યોગિકી (IT) સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है