
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગના ગાઢ જંગલમાં સંયુક્ત દળનો ધડાકેદાર છાપો: XUV 500 ગાડી સાથે રૂ. ૩.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે
વનકર્મીની હત્યા બાદ તંત્ર એક્શન મોડમાં: ડાંગમાં સઘન કોમ્બીંગ ઓપરેશન
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના અંધકારમય અને ગાઢ જંગલોમાં ફરી સક્રિય બનેલા લાકડાચોરો સામે વન વિભાગ અને પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કડક અને આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. ચિકટીયા બીટ વિસ્તારમાં યોજાયેલા સઘન કોમ્બીંગ ઓપરેશન દરમિયાન તસ્કરોના ગેરકાયદેસર કારસાને પર્દાફાશ કરતાં મહિન્દ્રા કંપનીની XUV 500 ગાડી સાથે સાગના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
જોકે, અચાનક ઘેરાબંધી વચ્ચે તસ્કરો અંધારાનો સહારો લઈ જંગલની ઘન ઝાડીઓમાં ગાયબ થઈ જતા સુરક્ષા દળોને હાથ નિરાશા લાગી હતી.
ડાંગ જિલ્લામાં લાકડાચોરી રોકવા ગયેલા વનકર્મીની નિર્દયી હત્યાની ઘટનાએ સમગ્ર તંત્રને ઝંઝોળી નાખ્યું હતું. આ ગંભીર ઘટનાના પગલે પોલીસે અને વન વિભાગે કડક વલણ અપનાવી લાકડાચોરીના જાળને નેસ્તનાબૂદ કરવાની દિશામાં સખત અભિયાન શરૂ કર્યું છે.
પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક એમ.એલ.મીના અને મદદનીશ વન સંરક્ષક આર.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આ સંયુક્ત ઓપરેશનને અમલમાં મૂકવામાં આવ્યું હતું.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા (પશ્ચિમ) વિનય પી. પવાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા (પૂર્વ) હાર્દીકભાઈ કે. ચૌધરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.અનડકટની ટીમોએ બાતમીના આધારે ચિકટીયા ગામના કુંભીપાડા ફળીયા નજીક ગાઢ જંગલમાં ચક્રવ્યૂહ રચ્યો હતો.
શંકાસ્પદ હલચલ દેખાતા જ દળે વીજળીની ઝડપે આગળ વધીને ઘેરાબંધી શરૂ કરી હતી. તે દરમિયાન ફોર વ્હીલ ગાડીના દરવાજા અથડાવાનો અવાજ સંભળાતા જ જવાનો દોડી પહોંચ્યા, પરંતુ તસ્કરો પહેલેથી જ અંધકારની આડમાં નાસી છૂટ્યા હતા.
સ્થળ પર છોડાઈ ગયેલી મહિન્દ્રા XUV 500 ગાડીની તપાસ કરતાં અંદરથી જંગલમાંથી કાપેલા સાગના કુલ ૯ નંગ લાકડા મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ સાગના લાકડાની અંદાજિત કિંમત રૂ. ૫૯,૭૫૦ ગણવામાં આવી છે, જ્યારે ગાડીની કિંમત રૂ. ૨,૭૦,૦૦૦ આંકવામાં આવી છે. આ રીતે કુલ રૂ.૩,૨૯,૭૫૦ નો મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો છે.
હાલમાં ફરાર આરોપીઓની ઓળખ, સાગના લાકડાનો મૂળ સ્ત્રોત અને તેની ગેરકાયદેસર હેરફેરના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા લાકડાચોરીના સંગઠિત રેકેટ સુધી પહોંચવા વિશેષ દળો કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વન સંપત્તિના સંરક્ષણ માટે હવે ડાંગમાં સતત પેટ્રોલિંગ, અચાનક ચેકિંગ અને સંયુક્ત ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવશે. લાકડાચોરો સામે તંત્રનો આ કડક સંદેશ સ્પષ્ટ છે, વન સંપત્તિ પર કૂચ કરનાર કોઈપણ તત્વોને કાયદાનો કડક સામનો કરવો જ પડશે.



