શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત e-ખેતી માહિતી સ્વરૂપે કૃષિલક્ષી માહિતીના QR કોડ વિકસાવવામાં આવ્યા :
વ્યારા- તાપી: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેવીકેના વડા ડૉ. સી. ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ શિક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડ વિકસાવવામાં આવ્યા હતા. તાજેતરમાં જિલ્લા પંચાયત તાપીની સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયાની ઉપસ્થિતિમાં કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકરીશ્રી ડી. ડી. કાપડિયા દ્વારા જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા તાપીના સહયોગથી આ કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડના ડિસ્પ્લે બેનર તાપી જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં લગાવવા આહવાન કરવામાં આવ્યું હતું. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કૃષિલક્ષી માહિતીના QR (Quick Response) કોડની અગત્યતા વિશે સમજાવી ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓને પ્રેઝન્ટેશન અને લાઈવ ડેમોસ્ટ્રેશન આપી QR કોડ સ્કેન કરી કૃષિલક્ષી માહિતી કઈ રીતે મેળવી શકાય એ વિશે અવગત કર્યા હતા. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.