
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કાર્યક્ર્મ યોજાયો:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ “જય કિસાન-જય વિજ્ઞાન” રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના કુલ ૪૦ ખેડૂત બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કેવિકે, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકારી ખેડૂતોને કાર્યક્ર્મનું મહત્વ સમજાવી દેશના વિકાસના કાર્યોમાં ખેડૂતોના યોગદાનને બિરદાવ્યુ હતું. વધુમાં ડો. પંડયાએ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપી શ્રી. એસ. બી, ગામિતે i-khedut પોર્ટલ, શેરડીના પાકમાં સહાય યોજના કૃષિલક્ષી ઓજારોની યોજના, ટ્રેક્ટર ખરીદવામાં મળતી સહાય યોજનાઓ જેવી ખેતીલક્ષી વિવિધ યોજનાઓ વિગેરે વિશે ખેડૂતોને જાગૃત કર્યા હતા. શ્રી. પી. આર. ચૌધરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, તાપીએ ખેડૂતોને આવક વધારવા આત્મા પ્રોજેકટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓ વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે સમજાવ્યું હતું. શ્રી નિકુંજભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક, તાપીએ બાગાયતી પાકોની યોજનાઓ વિશે ખેડૂતોને અવગત કર્યા હતા. ડૉ, અર્પિત જે ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કિસાન દિવસ જેમની યાદમાં ઉજવવામાં આવે છે એવા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિહ દ્વારા કરવામાં આવેલા કૃષિલક્ષી કાર્યો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા ખેડૂત મહિલાઓ કૃષિ કચરાનો યોગ્ય ઉપયોગ કરી વર્મીકપોસ્ટ બનાવે અને સ્વરછતા જાળવવા માટે હાંકલ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન ખેડૂત આગેવાન અને તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી હિનાબેન ચૌધરી અને શ્રીમતી સવિતાબેન ચૌધરી એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપી, આત્મા-તાપી અને જિલ્લા ખેતીવાડી વિભાગની કામગીરીઓને અનુલક્ષીને ખેડૂતો વતી પ્રતિભાવો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ વિસ્તરણ શિયાણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.