ખેતીવાડી

કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન કરીને આવક મેળવતા ઓલપાડ તાલુકાના સરસ ગામના પ્રગતિશીલ ખેડૂત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન કરીને આવક મેળવતા ઓલપાડ તાલુકાના સરસ ગામના પ્રગતિશીલ ખેડૂત કલ્પેશભાઈ પટેલઃ

પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનતા પ્રગતિશીલ ખેડૂત: 

સુરત જિલ્લામાં હાલમાં ૨૦,૦૦૦થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેઃ નાયબ નિયામક એન.જી.ગામીત, આત્મા પ્રોજેકટ ડાયરેકટર(તાલીમ) 

સુરતઃ રાજ્યનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ જિલ્લે-જિલ્લે પ્રવાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. સરકારે માસ્ટર ટ્રેનરોની નિમણુંક કરી ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે, જેઓ ગામડે-ગામડે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે, ત્યારે વાત કરવી છે એવા સાહસિક યુવાનની જે ખાનગી નોકરીની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરીને કેળાના વાવેતરમાં વર્ષે દહાડે લાખોની આવક મેળવી રહ્યા છે.

               સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ(કુવાદ) ગામના ૩૪ વર્ષીય યુવા ખેડૂત કલ્પેશભાઈ રમણભાઈ પટેલે છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ કેળાના ઉત્પાદનના સાથોસાથ તેનું મૂલ્યવર્ધન કરીને વર્ષે રૂ.૮ થી ૧૦ લાખની કમાણી કરી રહ્યા છે. વિગતે વાત કરતા કલ્પેશભાઈ કહે છે કે, ૨૦૧૮ના વર્ષમાં અમારા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ હતી, જેમાં અમારા જ તાલુકાના પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબહેને સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ત્યારથી જ પ્રાકૃતિક ખેતી અપનાવી. શરૂઆતમાં ૨૦૧૮માં ૮૨ ગુંઠા એટલે કે, અઢી વીઘા જમીનમાં જી-૯ ટીસ્યુ કેળનું વાવેતર કર્યુ, જેમાં રૂા.૩૫,૧૦૦ના ટીસ્યુ પર ૫૦ ટકા લેખે સરકારની રૂા.૧૭,૫૫૦ની સબસિડી મળી હતી. કેળમાં નિયમિત રીતે જીવામૃત્ત, ઘન જીવામૃત્ત આપવાની શરૂઆત કરી, જેમાં અદ્દભૂત પરિણામ પ્રાપ્ત થયા. જી-૯ ટીસ્યુ કેળમાં પ્રથમ વર્ષે ખૂબ સારો એવો ઉતારો આવ્યો. જેમ જેમ વર્ષ વીત્યા તેમ કેળાની ગુણવત્તા અને લૂમના વજનમાં પણ વધારો થયો છે. રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે કેળની એક લૂમનું વજન ૨૨ થી ૨૫ કિલો થતું હતું. જ્યારે હાલમાં એક લૂમનું વજન સરેરાશ ૪૫ થી ૫૦ કિલો જેટલું વધ્યું હોવાનું તેઓ જણાવે છે.

              મારા મનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું બીજ ઘણા સમય પહેલા વવાઈ ગયુ હોવાનું જણાવતા તેઓ કહે છે કે, ૨૦૧૨માં મારા પિતાને કેન્સરનું નિદાન થયું. જેના કારણે મારા પરિવારને ઘણુ સહન કરવુ પડયું હતું. ત્યારથી જ મનમાં એક સંકલ્પ લીધો હતો કે રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશ. અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરીમાં જોડાયા. જેમાં સમય કાઢીને આજે યોગ્ય ઢબે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.

                    કલ્પેશભાઈ જણાવે છે કે, ૨૦૧૯માં કેળના પાકનું વાવેતર કર્યું, જેમાં કેળમાં લૂમ આવ્યા બાદ તેમાં ફરી ટીસ્યુ ફુટે, ફરી પાછી લૂમ આવે તેમ છેલ્લા ચાર વર્ષથી કેળાનું ટનબંધ ઉત્પાદન લઈ ચૂકયો છું. છેલ્લા બે વર્ષથી કેળામાંથી મિર્ચ મસાલા, મરી મસાલાવાળી, લેમન વેફર્સ, કેળાનો પાવડર, બનાના સેવ, બનાના અંજીર, પાકા કેળાનું મૂલ્યવર્ધન કરીને ગ્રાહકોને સીધુ વેચાણ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓમાં સ્ટોલ રાખીને સીધુ ગ્રાહકોને વેચાણ કરીએ છીએ. વેફર્સના કિલોએ રૂા.૩૦૦, કેળાનો પાવડર રૂા.૬૦૦ જેવા ઊંચા ભાવે વેચાણ થાય છે.

             કલ્પેશભાઈને ચોથા ક્રોપમાં એક લૂમનું વજન અધધ ૭૩ કિલો જેટલું માતબર નોંધાયું છે, આ પ્રાકૃતિક ખેતીની જ કમાલ હોવાનું તેઓ ગર્વથી જણાવે છે.

                 તેઓ કહે છે કે, મારી વેફર્સના સ્વાદનો એકવાર ચચ્કો લાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિ મારો કાયમી ગ્રાહક બની જાય છે. કાચા કેળામાંથી પાવડર બનાવીને અન્ય રાજ્યોમાં પણ વેચાણ કરૂ છું. સુરત શહેરમાંથી સામે ચાલીને ખૂબ ઓર્ડર આવી રહ્યા છે, પરંતુ પહોંચી વળાતુ ન હોવાનું તેઓ જણાવે છે. કલ્પેશભાઈ કહે છે કે, આ કાર્યમાં મારા ધર્મપત્નિ અંકિતાબહેનનો ઘણો સપોર્ટ તથા સાથ સહકાર મળી રહ્યો છે તેના વિના મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવું મારા માટે શકય ન હતું.  

       કેળના ટીસ્યુ પર ૭૫ ટકા, પી.વી.સી. પાઈપ પર ૨૦ ટકા, વજન કાંટા પર ૫૦ ટકા, હોન્ડા મહાન સ્વયંસંચાલિત સાધન પર ૬૦ ટકા તથા દવા છંટકાવ પંપમાં ૫૦ ટકાની રાજ્ય સરકારની સબસીડી મળી છે, જેથી પ્રાકૃત્તિક ખેતી કરવાનું યોગ્ય પ્રોત્સાહન સરકાર દ્વારા મળી રહ્યું છે એમ કલ્પેશભાઈ જણાવે છે.

                  કલ્પેશભાઈ કહે છે કે, કેળના ૨૭૦૦ જેટલા ટીસ્યુ હોવાથી નવ મહિને ક્રોપનો એક ઉતારો આવે છે. જે રીતે દિન-પ્રતિદિન રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, તેને જોતા આજ નહી તો કાલે સૌ કોઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતીના અદ્દભૂત પરિણામો વિશે વાત કરતા કહે છે કે, મારા ખેતરમાં કુદરતની મહામૂલી દેન સમા અળસિયાનો પુષ્કળ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, જે ખેડૂતોના મિત્ર બનીને કુદરતી હળનું કાર્ય કરે છે. અળસિયાના કારણે જમીન છિદ્રાળુ બને છે, અને પાકના મુળ સુધી સરળતાથી જમીનમાં ઊંડે સુધી ફેલાઈ જઈને જમીનના ઉડા આવેલ ભેજનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરીને પાણી બચાવે છે. જેનાથી છોડનો વિકાસ પણ સારો થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વધુ વરસાદ પડયો હોય ત્યારે આસપાસના ખેતરોમાં બે દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે, જ્યારે મારા ખેતરમાં સાંજ સુધીમાં તો પાણી જમીનમાં ઉતરી જાય છે. આમ ઉત્પાદિત થતા કેળાની કવોલિટી ઉત્તમ પ્રકારની ખાવામાં મીઠા તથા વેફર્સની ગુણવત્તા ઉત્તમ પ્રકાર હોવાથી ખૂબ માંગ રહે છે.

     આજના યુવાનોને સંદેશ આપતા કલ્પેશભાઈ કહે છે કે, જો તમારી પાસે ખેતીની જમીન હોય તો થોડા અંશે પણ ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભો આપી રહી છે, જેનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું.

               સુરત જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટર (તાલીમ) ના નાયબ નિયામકશ્રી એન.જી.ગામીત જણાવે છે કે, સુરત જિલ્લામાં હાલમાં ૨૦,૦૦૦થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ૭૦ હજારથી વધુ ખેડુતોને આત્મા પ્રોજેકટ, જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ તથા ફાર્મર માસ્ટર ટ્રેનરોની સંયુકત ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટેની તાલીમ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है