
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામા બાળ સુરક્ષા સેવાઓ અંતર્ગત આપત્તિ, પહેલા, દરમિયાન અને આપત્તિ પછી જરૂરી લેવાના થતા પગલા વિષય પર તાલીમ યોજાઇ :
ડાંગ, આહવા: જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવા દ્વારા, બાળ સુરક્ષા સેવાઓ અંતર્ગત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ કચેરી, ડાંગના સંકલનથી આપત્તિ પહેલા, દરમ્યાન, અને પછી લેવાના થતા જરૂરી પગલા વિષય પર એક દિવસીય તાલીમ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે તાજેતરમા યોજાઇ હતી.
દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી એસ.ડી.સોરઠીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ તાલીમ દરમિયાન માસ્ટર તાલીમ તજજ્ઞ શ્રી ત્રિલોકભાઇ ઠાકર ધ્વારા, થિયરીકલ અને પ્રેકટીકલ સાથે આપત્તિના પ્રકારની વિસ્તૃત માહિતીની સમજ અપાઈ હતી. જેમા ચેનનોટ સાંકળ, રૂફનોટ સાંકળ, રોહિય ગાંઠ, રીપ નોટ ગાંઠ, ચેર નોટ ગાંઠ, અકસ્માત સમયે કઇ બાબતોની સાવચેતી રાખી, સારવાર કરી શકાય તે વિષય પર છણાવટ કરાઇ હતી. અગ્નિશામક નો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ પ્રેકટીકલ ધ્વારા જણાવાયુ હતુ.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોષીએ શાબ્દીક સ્વાગત કર્યુ હતુ.
તાલીમને અનુરૂપ ઉદ્દબોધન કરતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિગ્નેશ ચૌધરીએ જણાવ્યુ કે, કોઇપણ ઘટના અઘટિત બને ત્યારે આવી તાલીમો લીધેલ હોય, તો સ્થળ પર સમય સૂચકતાથી બચી શકાય. બાળકો માટે ખૂબજ ઉપયોગી તાલીમ સાબિત થશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ.
જિલ્લા પ્રોજેકટ ઓફીસર ડિઝાસ્ટર, શ્રી ચિંતન પટેલે માહિતી આપતા જણાવ્યુ કે, આપત્તિ એટલે પૂર, ભૂકંપ, આગ વાવાઝોડા તથા માર્ગસલામતી જાન હાનિ જેવી આપત્તિઓથી બચવા માટે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગરના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપની તાલીમો સમયાંતરે આપવામા આવે છે. જેનો સૌએ લાભ લેવો જોઈએ.
દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, શ્રી એસ.ડી.સોરઠીયાએ આપત્તિ સમયે આપણે કેવા જરૂરી પગલા લઇ શકાય તેનાથી બચી શકીયે તથા આવા સમયે તંત્રને તાત્કાલિક જાણ કરી સહયોગ મેળવવા અપીલ કરી હતી.
સદર તાલીમમા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮, મહિલા અને બાળ વિકાસ કચેરી, ચિલ્ડ્રન હોમના અંતેવાસી બાળકો તથા અધિકારીઓએ પણ હાજરી આપી માહિતી મેળવી હતી.
તાલીમ કાર્યક્રમનુ સંચાલન સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) શ્રી દિવ્યેશ એમ.વણકરે કર્યુ હતુ આભાર વિધિ સંસ્થાના અધિક્ષક શ્રી દાનિયેલ ગામીતે આટોપી હતી.