
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી શુસાસન સપ્તાહની ઉજવણી કરાઈ,
જિલ્લાના તમામ ગામોમાં સામુહિક સાફ-સફાઈ, રેલી, શપથ તેમજ સ્વચ્છતા સંદેશ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ,
વ્યારા: તાપી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવને અનુલક્ષીને તા.૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લાના તમામ ગામોમાં લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ના દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રવૃતિઓમાં સ્વચ્છતા રેલી, સાર્વજનિક સ્થળોની સફાઈ, ગામ તેમજ ગામના મુખ્ય માર્ગોની સફાઈ, સ્વચ્છતા શપથ, પ્લાસ્ટિકના કચરાનું એકત્રિકરણ, કચરાનો યોગ્ય નિકાલ અંગેની કામગીરી ગ્રામજનો સાથે મળી હાથ ધરવામાં આવી હતી. વધુમાં જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા સંદેશ દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાની કામગીરી સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ના તાલુકા કક્ષાના કર્મચારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ, સખીમંડળની બહેનો, આંગણવાડી વર્કર, સ્વચ્છતા સેનાનીઓ તેમજ ગામના બાળકો-મહિલાઓએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.