
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલિન ચૌધરી
સુરતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘અસંગઠિત શ્રમિક સંમેલન’ યોજાયું:
લાભાર્થીઓને ઈ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ તેમજ પીએમ સ્વનિધિ યોજનાઓના ચેક અર્પણ કરાયા,
સુરત જિલ્લામાં ૭,૬૨,૮૫૭ અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ આપી સમગ્ર ગુજરાતમાં સુરતે બીજો ક્રમ હાસંલ કર્યો છે: મેયર હેમાલીબેન બોઘાવાલા
સુરત: શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને ‘અસંગઠિત શ્રમિક સંમેલન’ યોજાયું હતું. જેમાં મેયર તથા મહાનુભાવોના હસ્તે શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વિતરણ તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકો તેમજ છુટક મજૂરી કરતા શ્રમિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં બાંધકામ શ્રમયોગી માટે ઈ-નિર્માણ કાર્ડ, અન્ય છુટક વ્યવસાયો સાથે સંકળાયેલા શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ દ્વારા અનેક યોજનાઓના લાભો આપવામાં આવી રહયા છે. ઈ-નિર્માણ કાર્ડથી સુરતમાં અસંગઠિત શ્રમિકોને બહોળા પ્રમાણમાં લાભ થશે. જેમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ.૨ લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ.૧ લાખની સહાય મળશે તેમ તેમણે કહ્યું હતું.
વધુમાં શ્રીમતી બોઘાવાલાએ ગર્વથી કહ્યું કે, સુરત જિલ્લામાં આજદિન સુધી કુલ ૭,૬૨,૮૫૭ અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ આપી સમગ્ર ગુજરાતમાં સુરતે બીજો ક્રમ હાસંલ કર્યો છે. સુરત જિલ્લામાં ૪૦ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે. શ્રમિકો પોતાના લાભથી વંચિત ન રહી જાય માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. દરેક શ્રમિકોને યોજનાઓના લાભ મળી રહે તેવી રાજ્ય સરકારની નેમ છે તેમ જણાવીને ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્રને ચરિતાર્થ કરવા માટેની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
તેમણે કામદાર રાજ્ય વિમા યોજના/પ્રોવિડન્ડ ફંડ/ કપાવતા ન હોય, તેમજ નેશનલ પેન્શન સિસ્ટમના સભ્યો ન હોય,આવકવેરો ભરતા ન હોય તેવા ૧૮ થી ૪૦ વર્ષની વયના અસંગઠિત શ્રમિકોને શ્રમયોગી માનધન યોજનામાં ૬૦ વર્ષની ઉમંર વટાવ્યા પછી રૂ. ૩૦૦૦ માસિક પેન્શન મળે છે, જેનો બહોળો લાભ લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજના વિશેનું શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.