
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ:
દિનકર બંગાળ, વઘઈ: તારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં ‘શહીદ સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે, બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી યુ.વી.પટેલ, મામલતદારશ્રી આહવા સહિત મહેસુલી કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. તો ડાંગ જિલ્લા પંચાયત ખાતે પણ વિવિધ શાખા અધિકારીઓ/પદાધિકારીઓ અને પંચાયતકર્મીઓ, ઉપરાંત સુબિર અને વઘઇ મથકે તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીઓ સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ૧૧ વાગ્યે, સાયરનના ધ્વનિ સાથે બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ સાથે જ જિલ્લા અને તાલુકાઓની જુદી જુદી કચેરીઓમા પણ સંબંધિત અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમા બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.