
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના બે માર્ગો હવે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તક
પ્રજાજનોને બહેતર સડક સુવિધા સાથે વાહન ચાલકો અને પર્યટકોને મળશે ઝડપી સેવા
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાના બે સરહદી માર્ગોનો સમાવેશ હવે રાજ્ય સરકાર હસ્તકના માર્ગ અને મકાન વિભાગમાં કરાયો છે.
ડાંગ જિલ્લાના પંચાયત (મા.મ) ના ૧૦ કિ.મી. કે તેથી વધુ લંબાઈ ધરાવતા ઓ.ડી.આર કક્ષાના બે રસ્તાઓ, રાજ્ય (મા.મ) વિભાગ હસ્તક તબદિલ કરવાની દરખાસ્ત સક્ષમ સત્તાએથી ગ્રાહ્ય રાખવામાં આવી છે. જે મુજબ મહાલ-સુબિર-વારસા (મહારાષ્ટ્ર) રોડ (૩૭.૪૦ કિલોમીટર) કે જે એક આંતરરાજ્ય માર્ગ છે, તેની સાથે વઘઈ-ડુંગરડા-ભેંસકાતરી રોડ (૨૦.૯૩૦ કિલોમીટર) કે જે ડાંગ જિલ્લાનો તાપી જિલ્લાને અડીને આવેલો સરહદી માર્ગ છે, તે હવે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવ્યા છે.
આ માર્ગો હવે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) માં આવવાથી આંતર જિલ્લા મુસાફરી વધુ સરળ થશે થવા સાથે, પ્રવાસન તેમજ કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે
ડાંગના મહાલ કેમ્પ સાઇટ, માયાદેવી અને કોશમાળ જેવા પ્રવાસન સ્થળોને પણ આ માર્ગ જોડતો હોવાથી અહીંના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળી રહેશે, તેમ ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ડાંગ જેવા સરહદી વિસ્તારના માર્ગો પ્રત્યે રાજ્ય સરકાર હમેશા સંવેદનશીલ રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.