
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા તાલુકાના ઝાંખ ગામે વિકાસ રથ પહોંચતા શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી કરાયું સ્વાગત:
વરસતા વરસાદ વચ્ચે ગામેગામ ફરી આગળ વધી રહેલા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો વિકાસ રથને લોકો એ ઉમળકાભેર વધાવ્યો,
સમગ્ર રાજ્યમાં હાલમાં ચાલી રહેલી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો વિકાસ રથ નર્મદા જિલ્લાના ગામો ખૂંદી રહ્યો છે. આજરોજ ડેડિયાપાડા તાલુકાના ઝાંખ ગામે આવી પહોંચેલા રથનું ગામલોકોની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝાંખ ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમને સરપંચશ્રી કરણભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ફતેસિંહ વસાવા, ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી નવનીતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય થકી ખુલ્લો મૂકાયો હતો.
વરસતા વરસાદ વચ્ચે પણ ગામેગામ ફરી રહેલા વિકાસ રથને લોકો ઉમળકાભેર આવકારી રહ્યાં છે. વંદે ગુજરાતના ઉત્સવ થકી લોકોમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે દેડિયાપાડા તાલુકાની ઝાંખ બેઠકમાં સમાવિષ્ટ ૮ ગામોનો કાર્યક્રમ ઝાંખ ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની અમલી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં મંજૂર થયેલા વિવિધ વિકાસ કામો અને નવા કામોની ઘોષણા કરવામાં આવી હતી.