
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટ સંદર્ભે ગ્રંથાલય ખાતાના વડા દ્વારા જિલ્લા વહિવટી તંત્ર સાથે કરાયો પરામર્શ :
ડાંગ : ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી એવા સચિવ શ્રી અશ્વિનીકુમારના, આદિવાસી વિસ્તારોમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટના સંદર્ભમા ગ્રંથાલય ખાતા નિયામક શ્રી ડો.પંકજભાઈ ગોસ્વામીએ તાજેતરમા, આહવા તથા વઘઇની જાત મુલાકાત લીધી હતી.
આ વેળા ગુજરાત સરકારના આદિવાસી વિસ્તારોમા સ્માર્ટ ગ્રીન લાઇબ્રેરી કન્સેપ્ટના પ્રોજેક્ટ સહિત, હાલના ગ્રંથાલયો અને સૂચિત નવા બાંધકામના પ્રોજેક્ટની વિવિધ કામગીરી માટે, ગ્રંથાલયના અધિકારીઓએ, જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ સાથે રૂબરૂ મુલાકાત કરી જરૂરી પરામર્શ કર્યો હતો.
દરમિયાન તાલુકા ગ્રંથાલય તથા જિલ્લા ગ્રંથાલયના સૂચિત બાંધકામની સાઇટ ઉપરની જમીનનુ નિરીક્ષણ કરી, કલેકટરશ્રી સાથે વધઇ તાલુકા લાયબ્રેરી માટે ફાળવેલ જમીનમા થયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે પણ ચર્ચા કરવામા આવી હતી. ઉપરાંત આહવા ખાતે જિલ્લા ગ્રંથાલયના બાંધકામ માટે જરૂરી જમીન સંપાદન કરવા બાબતે પણ રજૂઆત કરી હતી.
આ વેળા ગ્રંથાલય ખાતાના અધિકારીઓ શ્રી રમેશભાઇ પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક-અમદાવાદ અને શ્રી દિનેશભાઇ સી પટેલ, મદદનીશ નિયામક-સુરત વિભાગ તથા આહવાના ગ્રંથપાલ શ્રી દયારામ લાડ વિગેરેએ ઉપસ્થિત રહી, જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.