
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વઘઇ ખાતે પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક યોજાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના વઘઇ સ્થિત તાલુકા સેવા સદન ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિના અધ્યસ્થાને યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમા, સને ૨૦૨૪/૨૫ના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ.૧૩૭૪.૭૯ની સંભવિત જોગવાઈ સામે, રૂ.૧૭૪૪.૬૪ના ખર્ચે હાથ ધરાનારા ૩૮૪ કામોના કુલ આયોજનને મંજૂરી આપવામા આવી હતી.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ, સને ૨૦૨૧/૨૨ થી ૨૦૨૩/૨૪ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાકીય સિદ્ધિની સમીક્ષા પણ આ વેળા હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધને પણ આ અવસરે બહાલી આપી હતી.
બેઠકમા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દ્વારા પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, મત્સઉધ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, ઉર્જા વિકાસ, ગ્રામ્ય અને લધુ ઉધ્યોગ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, કે.આ.સે. ઓન વોટર સપ્લાઇ, અ.જ.જા અને પ.વ.ક., શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાહન ભોજન જેવા વિભાગોના કામો વિશે ચર્ચા કરવામા આવી હતી.
આ સાથે જ મંજુર થયેલ તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામા આવે તે જરૂરી છે. તેમજ વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સાથે જુના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામા આવી હતી.
ડાંગ જિલ્લામા પિવાના પાણીની સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત મંજુર થયેલ રૂ. ૮૬૬ કરોડની યોજનાની કામગીરી અંગે પણ મંત્રીશ્રીએ સમિક્ષા હાથ ધરી હતી. તેમજ ડાંગ જિલ્લામા જરૂરી જગ્યાએ બોર, કુવા અને નાના ડેમો બનાવવા માટે મંત્રીશ્રીએ સુચન કર્યું હતું. આ ઉપરાંત એફ.આર.એની જમીન લોકોને આપવા અંગેની દિશામા કાર્ય કરવા પણ મંત્રીશ્રીએ સુચન કર્યું હતું.
ડાંગ જિલ્લાના લોકો મોટે ભાગે ખતી અને મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોવાથી, પાણી પુરવઠાની રીઝોવિનેશન કામગીરીમા ૧૦ ટકા લોક ફાળો દુર કરવા, વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે બેઠકમા રજુઆત કરી હતી.
બેઠકમાં સમિતિ સભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલે, દશરથભાઈ પવારે પણ ઉપસ્થિત રહી, પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના વડા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રભારી મંત્રીશ્રી તરફથી મળેલ સૂચન મુજબ, જિલ્લાના સૌ અમલીકરણ અધિકારીઓ કાર્યવાહી પૂર્ણ કરશે તેવી બાંહેધરી આપી હતી. બેઠકની કાર્યવાહી પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથારે સંભાળી હતી.
આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત સહિત સહિત જિલ્લાના ઉચ્ચ વરિસ્ઠ અધિકારીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.