
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રવાસન વિકાસ ક્ષેત્રના એવોર્ડ સહિત જિલ્લાને ગૌરવ બક્ષનાર પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ
સહિતની અનેક ઉપલબ્ધિઓને “ટીમ નર્મદા”ની ફલશ્રૃતિ લેખાવતા
નિવૃત્ત જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી
રાજપીપલા :- વયનિવૃત્તિને કારણે નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર પદેથી નિવૃત્ત થયેલા શ્રી એમ.આર.કોઠરીને ગત બુધવારે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસીટી નં-૨ ખાતે “ટીમ નર્મદા” દ્વારા યોજાયેલા વિદાયમાન સમારોહમાં શ્રી એમ.આર.કોઠરીના છેલ્લા દશેક માસના સેવાકાળની બહુમૂલ્ય સેવાઓને બિરદાવી તેમને ભાવસભર વિદાયમાન અપાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે. વ્યાસ,પ્રાયોજન વહિવટદારશ્રી બી.કે પટેલ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી ભગત સહિતના મહેસૂલી પરિવાર સહિત “ટીમ નર્મદા” ના કર્મયોગીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શ્રી મનોજ કોઠરીના નિવૃત્તિ વિદાયમાન સમારોહમાં શ્રી કોઠારીને શાલ ઓઢાડીને પુષ્પગૃચ્છ અર્પણ કરવાની સાથે સ્મૃતિચિન્હ એનાયત કરી સહુ કોઇએ નિવૃત્તિકાળમાં નિરોગી અને દિર્ધાયુ જીવનની શુભેચ્છાઓ પાઠવી શ્રી કોઠારી સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતાં.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ. કે. વ્યાસ, પ્રાયોજના વહીવટદારશ્રી બી.કે પટેલ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ.હળપતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણા, જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદારશ્રી કરણસિંહ રાજપૂતે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં નિવૃત્તિ સાથે વિદાય લઇ રહેલા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી તરફથી “ટીમ લીડર” તરીકે પ્રાપ્ત થયેલુ સફળ નેતૃત્વ, વહિવટી કુનેહ, સુઝબુઝ અને કાર્ય કુશળતા, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની પ્રતિબધ્ધતા સાથે જિલ્લાની વિકાસકૂચમાં જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સુસંકલન, માઇક્રોપ્લાનીંગ અને દિર્ઘદ્રષ્ટિ સાથેની પથદર્શક ભૂમિકા, “ટીમ નર્મદા” સાથેના આત્મીયભર્યા વ્યક્તિત્વ સાથેનું એટેચમેન્ટ, સૌમ્ય, સુશીલ, મિલનસાર-દયાવાન સ્વભાવના વ્યક્તિત્વને બિરદાવી શ્રી કોઠારીને અભિનંદન આપ્યાં હતાં.
વય નિવૃત્તિથી વિદાય લઇ રહેલા નર્મદા નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ તેમના સન્માનના પ્રતિભાવમાં “ ટીમ નર્મદા” તરફથી તેમની કાર્યશૈલી અંગે કરાયેલ વિશેષણો અને ગુણોની નવાજીશનો ઋણ સ્વીકાર કરતાં તેમના સરકારી સેવાકાળ દરમિયાન જુદા જુદા ૧૭ થી ૧૮ જેટલાં વિભાગોમાં બજાવેલી ફરજો અને જવાબદારીઓનો ઉલ્લેખ કરી જાણાવ્યું હતું કે, કોઇપણ મોટી ભૂલ હોય તો તેનો ઉકેલ હોઇ શકે છે અને તેનાથી જ વ્યક્તિનું ઘડતર થાય છે. નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ મહામારી સંદર્ભની કામગીરી તેમજ છેવાડાના લોકો સુધી અનાજ પુરવઠાનું વિતરણ વગેરે જેવી અસરકારક અને સઘન કામગીરી ટીમ વર્કથી સફળતાપૂર્વક થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંલગ્ન પ્રવાસન વિકાસ સાથે પ્રવાસી સુવિધાઓને લીધે પ્રવાસીઓના દિલમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાન લીધું છે અને ચાલુ વર્ષે પ્રવાસન ક્ષેત્રે મળેલા એવોર્ડ સહિત જિલ્લાને ગૌરવ બક્ષનાર પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડને “ટીમ નર્મદા”ની ફલશ્રૃતિ લેખાવી હતી.
પ્રારંભમા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદારશ્રી કરણસિંહ રાજપૂતે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી નિવૃત્તિથી વિદાય લઇ રહેલા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીનો શુભેચ્છા પરિચય આપ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન શ્રી હિતેશભાઇ પ્રજાપતિએ કર્યુ હતું.