
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
: વંદે ગુજરાત વિકાસ યાત્રા, જિલ્લો ડાંગ :
ડાંગ જિલ્લાની ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ની શાહી સવારી પહોંચી ધવલીદોડ ગામે :
ડાંગ, આહવા: ડાંગના ડુંગરાળ પ્રદેશમા વસતા પ્રજાજનોને ગુજરાતના વિસ વર્ષોના વિકાસની જાણકારી આપવા સાથે, અનેકવિધ યોજનાકીય લાભો આપી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ તેના બીજા દિવસે સવારે આહવા તાલુકાના ધવલીદોડ ગામે પહોંચી હતી.

આહવાથી તા.૫મી જુલાઈએ નીકળેલી આ યાત્રાનુ ધવલીદોડ સુધી માર્ગમા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરતા ગ્રામીણજનોએ, કુતુહલ સાથે મસમોટા એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર ગુજરાતની વિકાસ ગાથા નિહાળી હતી. ધવલીદોડ ગામે યાત્રાના સ્વાગત કાર્યક્રમમા સરપંચ શ્રીમતી હર્ષિદાબેન ગાંગુર્ડે સહિત તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વિમલબેન, સ્થાનિક સામાજિક કાર્યકરો સર્વશ્રી રમેશભાઈ ગાંગુર્ડે, ગ્રામ પંચાયતના સભ્યો, વિકાસ યાત્રાના જિલ્લાના નોડલ ઓફિસર શ્રી યોગેશ જોશી, વિકાસ રથના લાયઝન અધિકારી શ્રી એન.એમ.ગાયકવાડ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન માહલા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ચેતન ભગરીયા, વીજ વિભાગના નાયબ ઈજનેર શ્રી વી.ડી.પટેલ સહીત તાલુકા/જિલ્લાના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી યોજનાકીય લાભો એનાયત કર્યા હતા.

કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય વિભાગે સવારે યોગા સહિત સ્વચ્છતા અભિયાન, ક્લોરીનેશન, પાણીના સેમ્પલનુ કલેક્શન કરવા સાથે, આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી આપવામા આવી હતી.
				
					

