
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
નેત્રંગ :રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી સતત થઇ રહેલાં અકસ્માતોએ અનેક લોકોના જીવ લઇ લીધા છે. ત્યારે ફરી બીજો અકસ્માત સર્જાયો. ભરૂચના નેત્રંગ તાલુકા ના ધાણીખુટ અને થવા ગામની વચ્ચે બેકાબૂ ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે ઈજાગ્રસ્તને નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
સમગ્ર અકસ્માત ઘટ્યો એવી રીતે કે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે એક બેકાબૂ ટ્રકે ત્રણ જેટલા બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી. બાદમાં આ બેકાબૂ ટ્રકે પણ પલ્ટી મારી દીધી હતી. જેથી આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જેને પગલે નેત્રંગના ધાણીખૂંટ ગામે રસ્તા પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં.
જો કે આ અકસ્માત સર્જાયા બાદ ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ તેમજ 108ની ટીમને ફોન કરી દીધો હતો. આ સાથે ત્યાં ઉભા રહેલાં લોકોએ ટ્રકનો કાટમાળ હટાવાની પણ કોશિશ કરી હતી. જે માંથી એક યુવક મૃત મળી આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, નેત્રંગ – ડેડિયાપાડા રોડ પર મહારાષ્ટ્ર થી ટાઈલ્સ ભરીને ટ્રક નેત્રંગ તરફ જઈ રહી હતી, ત્યારે આ બેકાબુ ટ્રકે 3 બાઈક ચાલકોને અડફેટે લીધા હતાં. જેમાં બે માસુમ બાળકીઓ સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં