
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો રાજય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય:- પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી
આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૧૨,૪૫૨ લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત
આત્મનિર્ભર ગ્રામ યાત્રાને સુરખાઇ ખાતેથી પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો:
નવસારી: ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની’’ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ત્રિદિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ ચૈધરીએ ચીખલી તાલુકાના સુરખાઇ ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
આ પ્રસંગે કલ્પસર, મત્સ્યોદ્યોગ, નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીને લક્ષમાં રાખીને તમામ લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે, તેનો લાભ મેળવે અને જાગૃત થાય તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પ્રજાની નાનામાં નાની જરૂરીયાતોને ધ્યાને લઇને વિવિધ યોજનાઓ ઘડી રહી છે. સાથે જ આ યોજનાઓ ખરેખર લાભાર્થી સુધી પહોંચે અને તેને લાભ મળે ત્યાં સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે, આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરશે. આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સ્વચ્છતા રેલી, તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની સમજ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાની સમજ તેમજ જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, પાણીજન્ય રોગો અંગેની સમજ અને ફિલ્મ નિદર્શન કરવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના હસ્તે નવસારી જિલ્લામાં રૂપિયા ૮૧૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ ૭૫૨ વિકાસલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ તથા રૂપિયા ૧૧૬૪૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૨૮૫૨ વિકાસલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના ચેક/સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.
આ રથના માધ્યમથી લોકોમાં સ્વચ્છ ભારત મિશન, સામૂહિક શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, નવા સખી મંડળની રચના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયત ખેતી, પશુપાલન, પર્યાવરણ જાગૃતિના મુદ્દાઓ પરની યોજનાઓ અંગેની સમજ તેમજ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી.કે.હડુલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ગાંવિત સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.