
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં યુવાનોને રોજગારી, આરોગ્ય, શિક્ષણ, પાણી, રસ્તા સહિત પાયાની સુવિધાઓ માટે પંચાયત વિભાગને સાથે રાખી નવતર અભિગમ અપનાવતા જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા..
ધજાંબા ગામે તાપી જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી.. ગ્રામવિકાસ માટે પંચાયત વિભાગના અધિકારીઓ ટીમ સાથે ઉપસ્થિત રહયા..
વ્યારા: તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ તાજેતરમાં પંચાયત વિભાગના અધિકારીઓની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ પરત્વે નવતર અભિગમ અપનાવ્યો હતો.
તાપી જિલ્લાના વિકાસ માટે હંમેશા નવી દિશામાં માઈક્રો પ્લાનિંગ સાથે આગળ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના પ્રવાસ દરમિયાન ધજાંબા ગામની મુલાકાત લીધી હતી. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત સચિવાલય જેવું બનાવવા રાજ્ય સરકારના ધ્યેયને સાકાર કરવા માટે ગ્રામ વિકાસને અગ્રિમતા આપી જિલ્લા વિકાસ અધિકારી ડો.કાપડિયાએ તલાટી,સરપંચ તથા ગ્રામજનો સાથે મીટીંગ કરી તેઓના પ્રતિભાવો મેળવ્યા હતા. ગ્રામજનોને પીવાના પાણી અંગે વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા નિહાળી હતી. પંચાયત ઘરમાં ઈ- ધરા કેન્દ્ર શરૂ કરવા સરપંચ અને તલાટીને ડીડીઓ કાપડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ધજાંબા ગામે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શરૂ કરવા કહયું હતું.
ધજાંબા માછલી ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો સાથે મુલાકાત કરી ડો.કાપડિયાએ શાળાના બાળકો સાથે સહજતાથી વાતો કરી વાંચન-લેખન કરાવ્યું હતું. સાથે બાળકોને માસ્ક વિતરણ પણ કરાવ્યું હતું. શાળાના શિક્ષકોના જર્જરીત આવાસ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગ અને પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તથા ધજાંબા-વાઘનેરા રોડ નોન પ્લાન વી.આર.રોડ ૧.૯ કિ.મી. મનરેગા યોજના હેઠળ આવરી લઇ સુવિધાયુક્ત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે ધજાંબા ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સ્ટાફને પ્રોત્સાહિત કરી જિલ્લા વિકાસ અધિકારીએ સો ટકા વેક્સિનેશન કામગીરી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ ધજાંબા ગામીત ફળિયામાં પંચાયત ઘરની મુલાકાત બાદ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ગામના સખી મંડળના બહેનો માટે સરકારશ્રીની મહિલા ઉત્કર્ષ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી આર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો. તથા યુવાનોને રોજગારી મળી રહે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ધજાંબા ગામે ડી.ડી.ઓ.કાપડિયાની મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામા,પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર બારોટ, પંચાયત ટેકનીકલ સ્ટાફ, સરપંચ, આંગણવાડી બહેનો, સખીમંડળના બહેનો સહિત ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.