
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB ના આઉટસોર્સિંગ કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલને ગેરસંવિધાનિક રીતે તેમની અટકાયત કરી આઉટસોર્સિંગ કર્મચારીઓના માંગણીના પ્રશ્ર્નોને દબાવવાની કોશિશ કરીને ધારાસભ્ય સાથે અમાનવીય વ્યવહાર કરી અપમાનિત કર્યા હતા.
પ્રેસ મિડિયાને પ્રેસ નોટ માધ્યમ થી અવગત કરતાં જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગતરોજ તા. 31/05/2022 ના દિને નવસારી ખાતે જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો લઈ વાંસદા, ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ ગયા હતા. પરંતુ તંત્રએ ગેરસંવિધાનિક રીતે તેમની અટકાયત કરી કર્મચારીઓના માંગણીના પ્રશ્ર્નોને દબાવવાની કોશિશ કરીને ધારાસભ્ય સાથે અમાનવીય વ્યવહાર કરી અપમાનિત કર્યા હતા. તેમના સમર્થનમાં આજ રોજ તાપી જિલ્લા કલેકટરને તાપી જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે કર્મચારીઓએ જણાવ્યું કે શ્રમ કાયદાઓ વિરુદ્ધ મેનેજમેન્ટ ટેન્ડર પ્રક્રિયા કરી આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. આઉટસોર્સિંગ કર્મચારીઓએ જેટકોના કાયમી કર્મચારીઓના સંગઠનનો પણ સહકાર માંગેલ છે. કેમ કે આવનારા દિવસોમાં દરેકના ઘરમાં કોન્ટ્રાક્ટ પ્રથા પ્રવેશી જશે જે ભવિષ્યમાં સર્વેને નુકસાન કરતા થશે. સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓએ એજન્સી(કોન્ટ્રાક્ટ)ને ચીમકી આપી છે આ લડાઈમાં વચ્ચે આવશો નહીં. નહિતર ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થશે. હવે જેટકો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સીધી આરપારની લડાઈ છે. જો તંત્ર આઉટસોર્સિંગ કર્મચારીઓના પ્રશ્ર્નો બાબતે યોગ્ય નિર્ણય કે ઉકેલ નહી લાવે તો આવનાર વિધાનસભાની ચુંટણીમાં સીધી અસર રહેશે તેવી ચીમકીઓ ઉચ્ચારી હતી.