
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
પોષણ ઉત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ ડાંગ જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનને દ્વિતીય સ્થાન:
ઝોન કક્ષામાં પ્રથમ અને રાજ્ય કક્ષામાં દ્વિતીય સ્થાને વિજેતા ધુબીટા આંગણવાડી કાર્યકર બહેને શ્રીમતી ભાવિકાબેન ગાવિતે “પૂર્ણા શકિત માંથી લોલીપોપ” ની વાનગી બનાવી :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : તાજેતરમાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ‘મહિલા સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જેમાં ડાંગ જિલ્લાની આંગણવાડી કાર્યકર ને બહેન શ્રીમતી ભાવિકાબેન ગાવિતે “પૂર્ણા શકિત માંથી લોલીપોપ” ની વાનગી બનાવી પ્રદર્શિત કરતાં તેણી ને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૫નાં કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં ટેક હોમ રાશન અને અન્ન(મિલેટ)નો રોજીંદા જીવનમાં ઉપયોગ વધે તેવા શુભ આશયથી રાજ્યમાં તમામ સ્તરે બે પ્રકારની વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૌપ્રથમ ટેક હોમ રાશનમાંથી વાનગી સ્પર્ધા અને શ્રી અન્ન(મિલેટ)માંથી વાનગી સ્પર્ધાનું આયોજન આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સેજા કક્ષાએ યોજાયેલ હતું. જેના વિજેતા ઘટક(તાલુકા) કક્ષા અને તાલુકામાંથી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ અને અંતે આ બંન્ને સ્પર્ધા રાજ્ય કક્ષાએ યોજાયેલ હતી.
જેમાં સુરત ઝોન કક્ષાએ ડાંગ જિલ્લામાંથી ટી.એચ.આર(માતૃ શક્તિ, બાલ શક્તિ અને પુર્ણા શક્તિ)માંથી પોષણયુક્ત વાનગી બનાવનાર ઘુબિટા આંગણવાડીનાં આંગણવાડી કાર્યકર બહેન ભવિકાબેન એલ. ગાવિત તાલુકો: આહવા, સેજો: ગાઢવીએ ચણા અને ટી.એચ.આર (પુર્ણા શક્તિ) માંથી લોલીપોપ બનાવી ટેક હોમ રાશનમાંથી વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમ પસંદગી પામ્યાં હતા. તેવી જ રીતના સુરત ઝોન કક્ષાએ શ્રી અન્ન (મિલેટ)માંથી વાનગી સ્પર્ધામાં કસાડબારી-૨નાં આંગણવાડી કાર્યકર બહેન ઝુનાબેન એ.પવાર તાલુકો: સુબીર, સેજો: પીપલદહાડ જે રાગી જુવારના પુડલા બનાવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
આ ઉતીર્ણ થયેલ બંન્ને બહેનોએ ડાંગ જિલ્લા રાજ્ય કક્ષાની બંન્ને હરિફાઇમાં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જે ત્યાર બાદ તા. ૧૭/૦૫/૨૦૨૫ નાં રોજ ગાંધીનગર ખાતે મહિલા અને બાળવિકાસના માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૫ કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાંથી ટી.એચ.આર(માતૃ શક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ)માંથી પોષણયુક્ત વાનગી બનાવનાર ઘુબીટા આંગણવાડીનાં આંગણવાડી કાર્યકર બહેન ભાવિકાબેન એલ.ગાવિત રાજ્ય કક્ષાએ “બીજા નંબરે” વિજેતા થયેલ હતાં. જેઓને માન. સચિવશ્રીના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
પોષણ ઉત્સવ – ૨૦૨૫ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાની આંગણવાડી બહેનને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતાં ડાંગ જિલ્લાના આઇ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ તેમજ વિભાગ તરફથી બહેને અભિનંદન પાઠવ્યાં હતાં.