
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષતામાં તાપી જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી:
વ્યારા-તાપી: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન સમિતીની બેઠકમાં જિલ્લામાં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ બુહારી ગામના તળાવને અમૃત સરોવરમાં સામેલ કરવા તથા ડોસવાડા ખાતે વિકસાવેલ ઇકો ટુરીઝમને વહેલી તકે જાહેરજનતા માટે ખુલ્લુ મુકવા સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
બેઠકમાં સોનગઢનો કિલ્લો, ડોસવાડા ડેમ, આંબાપાણી, બાલપુર સ્થિત કર્દમેશ્વર મહાદેવ મંદિર, બુહારી સ્થિત રામજી મંદિર અને તળાવ, ગુસ્માઈ માડી મંદિર, પદમડુંગરી પ્રવાસન ધામોને ક્ષમતા મુજબ નેચર ટુરિઝમ-હેરિટેજ તરીકે તથા પૌરાણિક મંદિરોનો આધુનિક વિકાસ કરી વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી તથા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામોની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સોનગઢ ખાતેના ચિમેર ધોધ, પદમડુંગરી ઇકો ટુરીઝમ, થુટી-સેલુડ-નાનછલ ખાતે ઇકો ટુરીઝમ, રીવરફ્રન્ટ અંધાત્રી, મોરદેવી, અને હીલ ડેવલોપમેન્ટ હથુકાના પ્રવાસન સ્થળને વિકસાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, અધિક નિવાસી કલેક્ટર આર.જે.વલવી, કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલ, ન.પા.પ્રમુખ વ્યારા સેજલ રાણા, સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.