
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર દેશના બે સાંસદોમાં શ્રી ધવલભાઈ પટેલનો થયો સમાવેશ
ગ્રામિણ ટુડે ન્યુઝ: ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે આગામી તારીખ છઠ્ઠી એપ્રિલથી અગયારમી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જઈ રહ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા સાથે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી છે. તેમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે.
દેશના રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘાટો થશે. સાથે આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપરિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. દરમિયાન રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને શિક્ષિત સાંસદોને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશની ધરતી પર જનારા ભારત દેશના પ્રતિનિધિ મંડળમાં વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે વલસાડ, ડાંગ, નવસારી જિલ્લા માટે ગોરવાંકિત ક્ષણો લેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દેશના વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, અને સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળાની કામગીરીનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યો હતો. જેનાથી સંતુષ્ટ થઈ એમને પ્રોત્સાહિત કરવા માટે આ વિશેષ જવાબદારી વડાપ્રધાનશ્રી દ્વારા સોંપવામાં આવી છે.