
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
તા.૨૯/૦૭/ ૨૦૧૦ નો ઠરાવ કે જેના આધારે લીઝ મંજૂર કરવામાં આવી છે તે બીલકુલ ખોટો છે આવો કોઈ ઠરાવ ગ્રામસભામાં થયો નથી ની પણ રજુઆત:
રાજપીપળા : નાંદોદ તાલુકાના સિસોદરા ગામના ગ્રામજનો એ ગામની મંજુર થયેલી લીઝ નામંજુર કરવા બાબતે નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં ગ્રામજનોએ એ જણાવ્યા મુજબ આ ગામ ડુબાણ વિસ્તારમાં આવેલુ છે, અમારી જાણ મુજબ તા.૨૯/૦૭/ ૨૦૧૦ નો ઠરાવ કે જેના આધારે લીઝ મંજૂર કરવામાં આવી છે, તે બીલકુલ ખોટો છે આવો કોઈ ઠરાવ ગ્રામસભામાં થયેલ નથી,ચોમાસાની ઋતુ દરમિયાન નદીના પાણીને લીધે ઘણી વાર ગામ લોકોનું સ્થળાંતર કરાવેલ છે, જેનો રેકોર્ડ અહીંની મામલતદાર તથા કલેકટર ક્ચેરીમાં છે, જે વ્યક્તિના નામે લીઝ ફાળવવામાં આવી છે તેઓ સ્થાનિક નથી, નવસારીના રહેવાસી છે. તેમ છતાં તેઓએ આ માંગણી કરેલ છે. આ વિસ્તાર પેસા એકટ મુજબનો વિસ્તાર છે. આ વિસ્તારની આસપાસ ૯૦ ટકાથી ઉપરાંત આદિવાસી વિસ્તાર છે. આ જિલ્લો પણ પેસા એકટ મુજબનો નોટીફાઇડ એરિયા છે. જિલ્લામાં ૯૦ ટકા વસ્તી આદિવાસીઓની છે. જેથી તેમની સંમતિ વગર મંજુરી આપી શકાય નહીં. તેમજ સ્થાનિકને પ્રથમ તક આપવી ફરજીયાત છે. જેથી આ રીવીજન હુકમ હવે રદ થવા પાત્ર છે, નદીના પટ માંથી રેતી ખનન કરવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ શકે તેમ છે અને ચોમાસાની ઋતુ માં નર્મદાનું પાણી ગામમાં આવવાની શક્યતા વધી જાય તેમ છે.ચોમાસા દરમ્યાન કરજણ તથા ઓસેંગ નદીનું પાણી પણ આ નદીમાં આવે છે, જેથી પુરનું સંકટ વધારે છે. નદી કિનારાનો પટ ગામથી અડીને આવેલ છે નદી કિનારે ગરીબ આદિવાસી લોકોની વસતી છે. જેથી એમને મોટું નુકશાન થાય તેમ છે. આ લીઝ મંજુર રાખવામાં આવે તો આદિવાસીઓ કે જે નદી કિનારાની બીલકુલ નજીકમાં રહે છે તેમને કાયમી સ્થળાંતર કરવુ પડે, જયાં લીઝ મંજુર કરેલ છે તે સ્થળની બીલકુલ નજીકમાં જ આદિવાસી સમાજના લોકોનું સ્મશાન છે. આ સ્મશાન ભૂમી પર પહોંચવા માટે આ ભાઠાના રસ્તાથી જ સ્મશાન ભૂમી સુધી પહોચાય છે. જો લીઝનું કામ ચાલુ થાય તો લોકોની સ્મશાન ભૂમિને પણ મોટું નુકશાન થાય તેમ છે. જેથી આ લીઝ કોઇ પણ સંજોગોમાં ગામ લોકો શરૂ કરવા દેવા માંગતા નથી, અમોએ ૨૦૧૭ માં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં રેતીની લીઝ ન આપવા બાબતનો ઠરાવ ગામની સર્વ સંમતી થી પસાર કરેલ છે. આ બધા કારણો દર્શાવવા છતાં હરિશ ભાઇ ઓડ આખા ગામને ખોટી રીતે હેરાન કરે છે એ ખોટું છે. માટે આ લીઝ નામંજુર કરવામાં આવે તેવી ગામલોકો ની માંગ છે.