
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લાના અણુવિદ્યુત મથક કાકરાપાર ખાતે “38મી ડી.એ.ઇ. સેફ્ટી એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ પ્રોફેશનલ્સ મીટ” નો શુભારંભ:
અણુવિદ્યુત મથક કાકરાપાર ખાતે 21 ડિસેમ્બર સુધી ત્રીદિવસીય “અણુ ઉર્જા વિભાગ સેફ્ટી એન્ડ કાકરાપાર ઓક્યુપેશનલ હેલ્થ પ્રોફેશનલ્સ મીટ” નું આયોજન કરાયું:
વ્યારા -તાપી : સલામતી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા અને વ્યવસાયલક્ષી સ્વાસ્થ્ય જોખમોના નિયંત્રણ માટે તમામ વિભાગોની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે તારીખ 19 થી 21 ડિસેમ્બર, 2022 દરમ્યાન કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે “38મી ડી.એ.ઇ. સેફ્ટી એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ પ્રોફેશનલ્સ મીટ” નું આયોજન કરવામાં આવેલ છે.
મુખ્ય અતિથિ શ્રી જી. નાગેશ્વર રાવ, અધ્યક્ષ, અણુ ઉર્જા નિયંત્રક બોર્ડ, ભારત સરકારના વરદ્ હસ્તે શ્રી ભુવન ચંદ્ર પાઠક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની ઉપસ્થિતિમાં “38મી ડી.એ.ઇ. સેફ્ટી એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ પ્રોફેશનલ્સ મીટ” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારત સરકારના અણુ ઉર્જા વિભાગની વિવિધ ઘટક સંસ્થાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે “38મી ડી.એ.ઇ. સેફ્ટી એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ પ્રોફેશનલ્સ મીટ” નો વિષયવસ્તુ છે “સેલ્ફ-રીયલાઇઝેશન ફોર સેફ્ટી કલ્ચર” અને “ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડસ, તેનું મોનિટરિંગ એન્ડ કંટ્રોલ” જે થકી કર્મચારીઓના અસરકારક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન માટે સમગ્ર દેશમાં અણુ ઊર્જા વિભાગના વિવિધ એકમોમાં સુરક્ષા પરિદ્રશ્યને સુધારવા માટે માહિતીનું આદાન પ્રદાન કરવાનું આયોજન છે.
ઉદઘાટન સમારોહને સંબોધતા, અધ્યક્ષશ્રી, અણુ ઉર્જા નિયંત્રક બોર્ડ, ભારત સરકાર શ્રી જી. નાગેશ્વર રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્મ-અનુભૂતિ દ્વારા સલામતી સંસ્કૃતિને વધુ સુદ્રઢ કરવાની જરૂર છે. તેમણે અણુ ઉર્જા વિભાગના એકમોમાં વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીના ઉચ્ચ ધોરણો પ્રાપ્ત કરવા માટે વ્યાવસાયિક સ્વાસ્થ્યના તમામ પાસાઓના નિયંત્રણને તકનીકી મંથન સાથે પૂરક બનાવવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે અકસ્માત રહિત અને શ્રેષ્ઠ સલામત કાર્યકારી વાતાવરણ તરફ સહયોગી પ્રતિબદ્ધ અભિગમ સ્થાપિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
એનપીસીઆઈએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભુવન ચંદ્ર પાઠકે તેમના સ્વાગત પ્રવચન દ્વારા આ પ્રસંગને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્થામાં સુદ્રઢ સકારાત્મક સલામતી સંસ્કૃતિ વિકસાવવા માટે સલામતી સંસ્કૃતિ તરફે આત્મ-અનુભૂતિનું સર્વોચ્ચ મહત્વ છે જેના માટે પરમાણુ ઉદ્યોગ હંમેશા સમગ્ર ઔદ્યોગિક સમુદાય દ્વારા સારી રીતે ઓળખાય છે. તેમણે જણાવ્યું કે પરમાણુ ઉદ્યોગે કાર્યક્ષમ વિનિયમન અને નિયંત્રણ દ્વારા તેના કર્મચારીઓના વ્યાવસાયિક સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે એક ઉત્કૃષ્ટ માનક સ્થાપિત કર્યું છે.
આ પ્રસંગે અણુ ઉર્જા વિભાગના વિવિધ એકમોના ડાયરેક્ટર સહિત કેટલાક નામાંકિત વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ આ પ્રસંગે હાજરી આપી હતી અને તેઓના અનુભવો વર્ણવ્યા હતા. વિવિધ સંસ્થાઓ/સંસ્થાઓના પ્રતિષ્ઠિત ઈજનેરો અને વૈજ્ઞાનિકો તેમજ મેડિકલ હેલ્થકેર પ્રોફેશનલ્સ તરફથી 17 આમંત્રિત વાર્તાલાપ અને 15 કંટ્રિબ્યુટેડ પેપર્સ સામેલ કરવામાં આવેલ છે. આ બેઠકથી દેશભરમાં આવેલ અણુ ઉર્જા વિભાગના વિવિધ એકમોના સલામતી વ્યાવસાયિકો સહિત 150 થી વધુ સલામતી વ્યાવસાયિકો લાભાન્વીત થયા હતા.
આ બેઠકની સાથોસાથ વિવિધ ઉત્પાદકો દ્વારા વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો અને સલામતી ઉપકરણો પ્રદર્શિત કરવા માટે એક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવેલ છે. સતત 38મા વર્ષે આયોજિત આ બેઠક, ભારત સરકારના અણુ ઉર્જા વિભાગની વિવિધ પ્રવૃત્તિઓની ગુણવત્તા અને પ્રગતિ સાથે સમાધાન કર્યા વિના સલામત કાર્યકારી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા અને તેને ટકાવી રાખવા માટે અનુભવો, સ્વસ્થ ઈજનેરી આચરણ, અકસ્માત નિવારણની વ્યૂહરચના વગેરેના આદાનપ્રદાન માટેનું માધ્યમ છે. એ જ રીતે, સલામતી સંસ્કૃતિ માટે સ્વ-અનુભૂતિ, માનસિક સ્વાસ્થ્ય પર કોવિડ-19ની પ્રતિકૂળ અસરો અને તેના કારણે થયેલી વ્યાવસાયિક તાણનું વિનિયમન અને નિયંત્રણ, સુરક્ષા સ્તરોનું વિશ્લેષણ તેમજ અન્ય વિવિધ વિષયો પર વકતવ્યો આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે, અણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડ,ભારત સરકારના અધ્યક્ષ શ્રી જી. નાગેશ્વર રાવ અને અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર, એનપીસીઆઇએલ, શ્રી ભુવન ચંદ્ર પાઠકના વરદ હસ્તે ઔદ્યોગિક સલામતી અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય વિષયે મોનોગ્રાફ, સમારોહની સ્મર્ણિકા તેમજ વ્યવસાયિક ઇજાઓ અને આગના આંકડા આધારિત પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. અણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડ,ભારત સરકારના અધ્યક્ષ શ્રી જી. નાગેશ્વર રાવ ના વરદ હસ્તે કાર્યરત એકમો, નિર્માણાધીન એકમો અને સંશોધન એકમો વગેરે વિવિધ શ્રેણીઓ માટે અણુ ઊર્જા વિભાગના વિવિધ સ્થાપનોના વિજેતાઓને ‘અણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડ સલામતી પુરષ્કાર’, ‘અણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડ ફાયર સેફ્ટી પુરષ્કાર’ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાઇટ ડાયરેક્ટર, NPCIL-કાકરાપાર ગુજરાત શ્રી સુનિલ કુમાર રોયે આ કાર્યક્રમમાં આમંત્રિત વિવિધ સંસ્થાઓના મહાનુભાવો, સંસ્થાના પ્રોત્સાહકશ્રીઓ(આશ્રયદાતાઓ), અધ્યક્ષ અને વહીવટી સંચાલક, વરિષ્ઠ અધિકારીઓ, નિષ્ણાત વક્તાઓ અને સહભાગીઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કોવિડ-19 ના કઠીન સમય બાદ પ્રત્યક્ષ રીતે તેમણે ગુજરાત રાજ્યમાં કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે પહેલીવાર આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પત્રકાર: કીર્તનકુમાર ગામીત , તાપી