
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
દેડીયાપાડા પ્રાંત કચેરીમાં ચૂંટણીના ઝોનલ ઓફીસરશ્રીઓની તાલીમનાં ભાગરૂપે બેઠક યોજાઈ;
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત તા. ૦૩ ઓક્ટોબર ૨૨ ના રોજ દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલની ઉપસ્થિતિમાં ઝોનલ ઓફીસરશ્રીઓ અને મદદનીશ ઝોનલ ઓફીસરશ્રીઓની તાલીમ અને બેઠક યોજાઈ હતી.
દેડીયાપાડાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણીએ ઝોનલ ઓફીસરશ્રીઓ અને મદદનીશ ઝોનલ ઓફીસરને PPT ના માધ્યમથી ચૂંટણી લક્ષી માહિતીથી વાકેફ કર્યા હતા. નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલે પણ ચૂંટણીલક્ષી માહિતી પુરી પાડી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમા વનરેબલીટી મેપીંગ અંગે, ઝોનલ ઓફીસરશ્રીની ફરજો અને જવાબદારીઓ બાબતે માહિતી આપી હતી. ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી સાગબારાના રણજીત મકવાણાએ ચૂંટણીલક્ષી અને કાયદાકીય જોગવાઈઓ, ઈ.વી.એમ./વી.વી.પેટના સંચાલનને લગતી માહિતી, પોલ-ડે ના દિવસે કરવાની કામગીરી વિગેરેથી માહિતગાર કર્યા હતા.
બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, સાગબારા અને દેડીયાપાડાના મામલતદારશ્રીઓ, દેડીયાપાડાના પોલીસ ઈન્સપેક્ટરશ્રી તેમજ દેડીયાપાડા અને સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.